પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૬

તમે પણ ના નહી ક્‌હો. એમણે કુટુંબ છોડી વનવાસ લીધો એટલી બુદ્ધિ ઓછી. લક્ષ્મીનંદનથી જુદાં ર્‌હેવામાં કંઇ બાધ ન હતો. ખરું પુછો તો મને સાહેબલોકનો ચાલ ઘણો ડાહ્યો લાગે છે કે પરણે ક્યારે કે જુદા ર્‌હેવાની તાકાત આવે ત્યારે જ, અને પરણે એટલે જુદાં જ ર્‌હેવું. આપણો ચાલ પણ ખોટો નથી, પણ તે ક્યાં સુધી કે બધાંની આંખમાં અમીદૃષ્ટિ હોય ને બધાંમાં સંપ હોય ત્યાંસુધી. સાહેબલોકને હુતો ને હુતીનું સુખ - પણ આપણાં કુટુંબનું સુખ તેઓ સમજતા નથી. આ મ્હારી આશપાશ આ બધો વિસ્તાર ભરાઇ બેઠો છે ને જે આનંદની રેલ આપણે ચાલે છે, ને હું જાણું છું કે મ્હારાં ગુણસુંદરી અને ગુણસુંદરી જાણે છે કે મ્હારા વડીલ, એ સુખનું સાહેબલોકને સ્વપ્ન પણ નહી હોં ! સાહેબલોકમાં દીકરાને ઘેર સાસુ ને સાળી પોસાય અને ઘરડાં માબાપ એકલાં પગ ઘસે ! આપણાં કુટુંબમાં તો ક્‌હો કે મ્હારો અને આ મ્હારી અનાથ ગરીબડી સુંદરગૌરી બેનો વગર ઉતરાવ્યે વીમો ઉતરાવ્યો છે, અને અમારી આશિષ્ છે તે ગુણસુંદરીને આનંદ જ ર્‌હેવાનો. અમારાં જેવાં ઘરડાં, લુલાંલંગડાં, અને નિરુદ્યમી, ગુણસુંદરીની માથે પડ્યાં છિયે અને વિદ્યાચતુરની ટુંકી કમાઇના દિવસ હતા ત્યારથી એનું લોહી ચુસી લેતાં આવ્યાં છિયે -

"શું વડીલ, શું બોલો છો? કંઇક તો અમારા ઉપર દયા રાખો !" ગુણસુંદરી બોલી ઉઠી.

"સાંભળો તો ખરાં. આમ છે તે છતાં અમે પણ એમને કોઇ વખત કામે લાગ્યાં હઇશું અને આજ અમારાથી લોકમાં અને પરલોકમાં એમને સુકીર્તિ છે. પણ આ વખત આવતા સુધી ટકી ર્‌હે એવા ગુણસુંદરી મ્હારા જ ઘરમાં છે, બીજે કોઇ ઠેકાણે નથી. ગરીબ અને પગ ઘસતા દીકરાઓની કમાઇ ઉપર ડબાણ મુકવું, ડાહી અને મ્હેનતુ વહુરોને મજુરી કરાવી કચડવી, તેમને જુવાનીનું સુખ અને જુવાનીનો ઉમંગ જોવા વારો જ ન આવે તેમ એમની પાસે રહી એમને કેદ રાખવાં, તેમના ઉગતા ડ્‌હાપણને અને તેમની નવી બુદ્ધિને પોતાના કોહ્યાપણામાં છેક પરતંત્ર કરી નાંખવા - એનાથી વધારે નિર્દયતા કેઇ હશે ? અને જાણ્યે અથવા અજાણ્યે અને સમજ્યે અથવા અણસમજ્યે કેટલાં માબાપ અને કેટલાં સાસુસસરા આવાં નિર્દય થાય છે, તેનો મને અનુભવ છે. બોલનારી અને