પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૭

લ્હડનારી વહુરોનાં દુઃખ બધે ગવાય છે અને કપુત દીકરાઓનાં પરાક્રમ જગતજાણીતાં છે; પણ ડાહ્યો દીકરો દેશાવર ભોગવે અને ડાહી વહુ રાંધણાં રાંધે એ ક્‌હેવત પ્રમાણે, ન બોલનારા દીકરાઓ અને ન બોલનારી વહુરોની ખબર કોને છે? માબાપ અને સાસુ - સસરાઓનો ધર્મ એ છે કે આવાં બાળકની દાઝ પોતાની મેળે જાણવી અને ન બોલે તેને બેવડો માર ન મારવો અને મીઠાં ઝાડનાં મૂળ ન કાપવાં. કોઇ માબાપ જાણે જોઇને માર મારતાં નથી, પણ જાણી જોઇને કે અજાણ્યે કચરાય ત્હોયે ફુલ તો ચોળાય જ ! માટે મ્હારો અનુભવ એવું ક્‌હે છે કે ઘરડાંઓનો તેમ ભાઇભાંડુઓનો ધર્મ એવો છે કે પોતે છુટાં થવાય કે ન થવાય તો પણ સામાને છુટાં થવા દેવા અવસર આવે એવી રીતે પોતે જાતે જ ખસતાં ર્‌હેવું. સરસ્વતીચંદ્ર મ્હોટા થયા ત્યાંથી જ એમને લક્ષ્મીનંદને ભેગા ને ભેગા અને છુટા ને છુટા એમ રાખ્યા હત તો આ વખત ન આવત. કુસંપ થવા પ્હેલાં સંપને વખતે જ પોતે છુટાં થવું અને સામાને છુટું કરવું એમાં માણસની દીર્ધદૃષ્ટિ છે, ડ્‌હાપણ છે, ચકોરતા છે, અને એ જ એનો ધર્મ છે. એ વાતમાં લોકલજ્જાનો પ્રતિબંધ ગણવો એ મૂર્ખતા છે. જ્યારે મોડું વ્હેલું પ્હેડિયે બે પ્હેડિયે જુદું પડ્યા વિના છુટકો નથી ત્યારે સમય સમજી જાતે છુટાં પડવું એ તો સંસારવ્યવહારની પ્રવીણતા રાખવા જેવું છે. માબાપથી કેમ જુદાં ર્‌હેવાય ? એવો વિચાર સરસ્વતીચંદ્ર દૂર ન કરી શક્યા તે એટલું જ બતાવે છે કે એ ભણ્યા પણ ગણ્યા નહી. એમાં શી મ્હોટી વાત હતી? - જુદું ર્‌હેવું એ સંસારનો રસ્તો છે તો તેમાં ઓસંગાવું શી બાબત ? સરસ્વતીચંદ્રને એ વાતમાં લાજ લાગી જાય તેનું કારણ એ જ કે હજી એ બાળક છે. મ્હેં તો કેટલાક સિદ્ધાંત જ કરી મુકેલા છે તેમાં એક તો એ કે બે બઇરાંને એક ઘરમાં ર્‌હેવા ન દેવાં અને બીજું - ક્યાં પુરુષ કે ક્યાં સ્ત્રી - સૌને છુટાં ર્‌હેવાં દેવાં, અને મ્હારે જાતે કેટલું કરવું કે સૂર્ય પોતે પૃથ્વીથી દૂર અને છુટો રહી આપણને પ્રકાશ અને તાપ બે વાનાં આપે છે અને લોકનાં ઢાંકેલાં છાપરાં તળે અને ખુણેખોચલે શું થાય છે તે જોતો નથી અને તેની ચિંતા કરતો નથી તેમ મ્હારે પણ કુટુંબમાં એ સૂર્યની પેઠે ર્‌હેવું; તેમાં સૌને સુખ છે, અને સઉનું કલ્યાણ છે. કુટુંબમાં વૃદ્ધજનોનો ધર્મ આ છે અને તે સઉ વૃદ્ધોએ પાળવો જોઇએ છિયે - જો પોતાના કુટુંબ ઉપર પ્રીતિ