પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૮

હોય અને જો સઉનું સુખ વાંછતા હઇયે તો. તેમ હોય તો વૃદ્ધાવસ્થા મને સુખરૂપ છે તેવી થવાની; તેમ નહી હોય તો તેવા વૃદ્ધોયે છોકરાંને ગાળો દેઇ ગાવું કે, "ઘડપણ કોણે મોકલ્યું?" તમે સર્વ વૃદ્ધ થશો માટે આટલું કહી મુકું છું, અને આજને વાસ્તે તો એટલું કહું છું કે સઉના સુખને વસ્તે ઘરમાં કે કુટુંબમાં કાંઇ કરવાનું આવશ્યક લાગે તો બાયડીઓની પેઠે અને સરસ્વતીચંદ્રની પેઠે આમ કેમ થાય? - કરી લજવાશો નહી, પણ જે ઠીક લાગ્યું - તે ધૈર્યથી અને ખબડદારીથી કરી દેવું જ અને રજ પણ આશંકા ન ગણવી. आहारे व्यवहारे च स्पष्टवक्ता सुखी भवेत्"

આ સર્વ વાર્તાપ્રસંગમાં શ્વશુર પાસે મર્યાદા રાખવાના સ્વભાવવાળી ગુણસુંદરી કંઇ બોલ્યા ચાલ્યા વિના બેસી રહી હતી તે માનચતુરનું ભાષણ થઇ રહ્યું એટલે મ્હોં મલકાવી ધીમે રહી બોલી : "ત્યારે મ્હારા આગ્રહનો તિરસ્કાર કરી મ્હારા જેઠને જુદા રાખ્યા અને પાણીફેરનું મિનિત ક્‌હાડી આપ અહિંયા ર્‌હેવા આવ્યા તેનો મર્મ પણ આ જ કે,?"

ડોકું ઉંચું કરી , આંખો વિકસાવી, મુછે તાલ દેઇ, વક્ર મુખે હસી પડી, આડંબર કરી, ડોસાએ એકદમ ઉત્તર દીધો: "હાસ્તો વળી !" મિતાક્ષર અને વેગભર્યો ઉત્તર સાંભળી ગુણસુંદરી ચુપ થઇ ગઇ.

વિદ્યાચતુરની વાતથી ચંદ્રકાંત જેટલો મીજાજ ખોઇ બેઠો હતો તેટલા જ પ્રમાણમાં માનચતુરની કંઇક અસંબદ્ધ પણ વેગવાળી અને અનુભવી વાતચીતથી તે ઠંડોગાર થઇ ગયો, અને રત્નનગરીના પ્રધાન કરતાં પ્રધાનના પિતાની બુદ્ધિ આટલી વયે આવી ઉત્તેજિત જોઇ ચકિત થઇ જોઇ રહ્યો - સાંભળી જ રહ્યો.

રાત ઘણી ગઇ હતી અને ર્સર્વ પોતપોતાના શયનખંડ ભણી વેરાયાં. સર્વને મોડી વ્હેલી નિદ્રા આવી. માત્ર ગુણસુંદરી ઉઘાડી આંખે સુતી. તેનું સ્વાભાવિક ધૈર્ય આજ કુમુદસુંદરીના વિચારથી, અનિષ્ટ શંકાઓથી, અને ઉદ્વેગકારક તર્કોથી, ખસી ગયું હતું. થોડીક વારે સુંદરગૌરીની આંખ સ્હેજ ઉઘડી જતાં એણે ગુણસુંદરીની જાગતી અને રોતી જોઇ, અને જોતામાં જ તે જાગૃત બની પુછવા લાગી: "ગુણિયલ ભાભી, શું થાય છે ? કેમ રુવો છો ?" ગુણસુંદરી બેઠી થઇ અને સુંદરની છાતી ઉપર માથું નાંખી રોઇ પડી: "સુંદર ભાભી, આજ મને કંઇ કંઇ વિચાર થયાં કરે છે અને રોવાઇ જવાય છે; તેમાં