પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦

ફતેહસંગ, બારણું વાસી ગયો, કુસુમે સાંકળ વાસી,અને ગુણસુંદરી બોલી: "સવાર સુધીમાં વળી કોણ જાણે શાયે સમચાર આવશે. ચંદ્રકાંતને ભાઇબંધનો દોષ ન વસે, પણ આવી દશામાં આવી પડવાનું સરસ્વતીચંદ્રને શું એવું કારણ હતું?"

સુંદર બોલી : "ભાવિમાં લખેલું તે એ પણ શું કરે?"

કુસુમ ગાતી ગાતી ગણગણી: ' લખ્યા લેખ મિથ્યા ન થાયે લગારે."

સુંદરગૌરીએ કુસુમને ખેંચી કેડ સરસી ચાંપી.

ફરી બારણું ખખડ્યું, સઉ ચમક્યાં, અને કાન માંડ્યા.

"કોણ?" ગુણસુંદરી બોલી અને તેને બોલે રાત્રિ ભેદાઇ.

ફતેહસંગ ઘરમાંથી નીકળ્યો અને તરત અંધારામાં સામાં બે માણસના આકર આવતા દેખાયા. તે આકાર ચોરના છે કે શાહુકારના, ભૂતના કે માણસના, શત્રુના કે મિત્રના, તે સમજાયું નહી ત્યાં સુધી ફતેહસંઘ કમર બાંધી, સજ્જ થઇ સામો ચાલ્યો અને ખોંખારી, ઉંડા અંધકારમાં પડઘા કરાવતો, બોલ્યો : "ખમા મહારાજ મણિરાજને ! કોણ આવે છે એ?"

ઉંડાણમાંથી બે મુખમાંથી એકઠો ઉત્તર મળ્યો: "ખમા મહારાજ મણિરાજને !"

સૌ એકઠા થયા અને સ્વરથી સઉયે એકબીજાને ઓળખ્યા. રાત્રિના પ્રથમ પ્હોરમાં ગામના ત્રિભેટામાં બ્હારવટિયાઓનું રાવણું મળ્યું હતું તે સર્વ વાત ઝાડની ડાળમાં બેસી પ્રત્યક્ષ કરી, રાવણું વેરાયા પછી ઉતાવળે પગલે ગામમાં આવી, મુખી પટેલને મળી, એને સાથે લેઇ, ગુણસુંદરીને અને માનચતુરને સમાચાર ક્‌હેવા, ઝડપથી હરભમજી આવતો હતો તે ફતેહસંગને મળ્યો. અંધારામાં મુખ અને કાન વચ્ચે વાત ચાલી.

"કોણ ? હરભમજી?"

"એ જ. કોણ ? ફતેહસંગજી?"

"એ જ. પાછળ કોણ છે?"

"મુખી પટેલ."

"ઠીક થયું, ચાલો ગુણસુંદરીબા વાટ જ જુવે છે." ફતેહસંગ સઉમાં આગળ ચાલ્યો,બારણું ઠોક્યું, અને ગુણસુંદરીના "કોણ" એ પ્રશ્નને, પ્રશ્ન નીકળતાં જ, ઉત્તર દેવા લાગ્યો.