પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નીચે પડી પોકે પોક મુકી રોવા લાગ્યો; જુવાન વાણિયણ ગભરાઈ ગઈ અને એક જણે નીશાની કરી તે પ્રમાણે પઈડાં ઉપરથી ઉતરતાં ઉતરતાં નીચે પડી ગઈ અને તેના શરીર પરથી દાગીના એક બે સરી પડ્યા તે લેવામાં બે જણ ગુંથાયા. બાઈને ભોંય ભારે થઈ પડી – તેનાથી બોલાયું નહી – ચલાયું નહી – અને આંખમાંથી માત્ર પાણી ખરખર ચાલ્યું. તેનું ભાન ખસી ગયું અને બોલવાનો યત્ન કરતી જીભ દાંત વચ્ચે અટકી. બીચારીની બોચી ઝાલી એક જણે તેને પકડી રાખી.

સઉમાં અનુભવી ડોસી નીકળી, એક ન્‍હાની સરખી પોટલીમાં થોડાક રુપિયા રાખ્યા હતા તે પોટલી લુગડામાં સંતાડવી કઠણ ન પડી. સામાન માત્ર ગાડામાં રહેવા દેઈ હળવે રહી ડોસી બ્‍હાર નીકળી પડી અને છેટે ઉભી ઉભી બોલી: “ભાઈ, આ હું તો મ્હારે લુગડાભેર ગાડા બ્‍હાર નીકળી. મ્હારો સામાન બધો માંહ્ય છે જોઈએ તે લેઈ લ્યો. બ્રાહ્મણી છું – તમારી પાસેથી માગવા લાયક છું. પછી તમને ખપે તો તમે લ્યો.”

“હવે, બેસ, બેસ, બુઢ્ઢી” કરી એક જણ તેને ધોલ મારવા આવ્યો. ડોશી આધી ખશી ગઈ અને ધોલ ચુકાવી દયામણું મ્હોં કરી બોલી; “ભા, માર્ય્ મારવી હોયતો. વર્ષે બે વર્ષે મોતનું મ્હોં તો મ્હારે છે સ્તો, તે એમ જાણીશ કે આજે જ આવ્યું ! તનેયે ઘડપણ આવજો – સો વરસનો થજે – ભા ! – મ્હારા જેવો !” બ્‍હારવટિયો છક થઈ ગયો અને આઘો ખસી ડોશીને એમને એમ મુકી, પણ દૃષ્ટિ તેના ભણી જ રાખી ગાડા ભણી ગયો. “ નાસવાનું કરીશ તો બ્‍હીક છે - અંહી જ ઉભી રહીશ તો મને શું કરનાર છે?” ગણી ડોસી ગાડા આગળનો તમાસો જોતી જોતી એક પથરા ઉપર રસ્તાની બાજુએ બેઠી.

સરસ્વતીચંદ્ર ગાડામાં પગથી માથા સુધી ધોતિયું હોડી સુઈ ગયેલો હતો તે આ લોકનો ગરબડાટ સાંભળી સફાળો ઉઠયો અને વાણિયાને મુકાવા વિચાર થયો ન થયો એટલામાં તે બીજી પાસ વાણિયણની અવસ્થા જોઈ તે પાસ કુદી પડયો. તેને સામો થતો જોઈ ચન્દનદાસ અને તેના માણસ એની આસપાસ વીંટાઈ વળ્યા, હથિયાર વિનાનો અને સુકુમાર પુરુષ આ લોકો સામે શું કરી શકે એમ હતું ? આખા દિવસના ધૂળ અને તાપ વચ્ચેના પ્રવાસથી તેના શરીરમાં તાવ ઉત્પન્ન થયો હતોઃ કુમુદસુન્દરીના વિચારથી તેનું મસ્તિક (મગજ) ઉકળેલું હતું. સ્વપ્નોથી ભરેલી પણ નિદ્રા ભોગવવાથી તે કાંઈક શાંત થયો