પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯

વિચિત્ર અવસાન આવ્યું હોય અને પડદો પડ્યો હોય તેમ અત્યારે થયું પોતે મૂર્ખતા કરી છે કે ઉચ્ચાભિલાષ સિદ્ધ કર્યો છે તે વિચારનાર પણ કોઇ રહ્યું નહી અને સ્થળસમયની અવસ્થા પણ સરસ્વતીચંદ્રને જગાડે એવી ન હતી.

અંધકારની સેના ચારે પાસ ઘણા જોરથી ધસારે કરતી હતી અને દશે દિશા છાઇ લીધી હતી. ઘોડેસ્વારો વેગથી સ્વારી કરતા હોય અને ઘોડાની ખરીઓના ડાબલાના ડાબકા જમીન પર દેવાતા હોય તેમ કાળરાત્રિ ગાજતી હતી. અનેક તરવારો અથડાતી હોય તેમ પવનને બળે અનેક ઝાડનાં પાંદડાં તથા ડાળો અથડાઇ અવાજ કરતાં હતાં. મ્હોટાં બાણાવળી ઉગ્રબળથી બાણ ફેંકતા હોય અને તેના સુસવાટ ચારે પાસ મચી રહ્યા હોય તેમ પવન સુસવાટા નાંખી રહ્યો હતો અને વૃક્ષો વચ્ચેના, પાંદડાં વચ્ચેના, આંતરાવચ્ચે થઇને ધસી આવતાં, ચીસો નાંખતો હતો. ચારે પાસ યુદ્ધનાં ભયંકર વાજાં વાગી રહ્યાં હોય અને યુદ્ધની બુમમાં બરાબર ન સંભળાતાં સ્થળે સ્થળે તેનો નાદ સ્ફુરતો હોય તેમ સર્વ પાસ તમરાં નિરંતર બોલતાં હતાં. ધવાઇ ઘવાઇ, કોઇ હાથ ખોઇ, કોઇ પગ ખોઇ, પડેલા જોદ્ધાઓ દોડતા લ્હડતા જેદ્ધાઓના પગ તળે કચરાતાં છુંદાતાં દુ:ખથી અશરણ બની હૃદયવેધક ચીસ પાડી ઉઠતા હોય તેમ હરણ, સસલાં, અને અનેક ગરીબ પશુઓ, બોડમાં ઉંઘતાં પ્રાણીઓ શોધી ખાનાર વરુ જેવાં ક્રૂર ચોર પશુઓનાં પંઝામાં પોતાને અથવા નરને કે માદાને કે બચ્ચાંને ફસાયલાં દેખી, ઉંડાણમાંથી કારમી ચીસો નાંખતાં હતાં. આખા જંગલમાં શીકારી અને શીકારની દોડાદોડ મચી રહી હતી અને સિંહ- વાઘના પંઝા અને નખ ધબ લઇને પડતા હતા અને ગરીબ પ્રાણીઓના કોમળ માંસમાં ખુંપી જતા હતા. શીયાળનાં ટોળાં ચારેપાસથી કાયર જોદ્ધાઓ નાસતાં નાસતાં ચીસો પાડે તેમ રોતાં હતાં: શૂરા સ્વારો પેઠે વાઘ, ન્હાનાં ઝાડ અને ઘાસ ઉપર ફાળ ભરતા, વેગથી ચાલ્યા જતા હતા અને ચોમાસાના પૂરપેઠે ઠેકાણે ઠેકાણે ધુધવાટ કરતા હતા. સેનાના નાયક જેવા મૃગપતિ સિંહ અંધરાત્રે રસ્તા વચ્ચે બેઠે બેઠે – મ્હોટું વાદળું ગાજતું હોય – તોપ ધડુકતી હોય – તેમ મહાગર્જના કરી રહ્યો હતો. એ ગર્જના સાંભળતાં વાઘસરખાં પ્રાણી ચુપ થઇ લપાઇ જતાં હતાં, હાથીઓ અને પાડાઓ બરાડા પાડતા પાડતા નાસાનાસ કરી મુકતા હતા, ઝાડ ઉપર સુતેલાં પક્ષિયો જાગી ઉઠતાં હતાં અને કંપતાં કંપતાં કાન માંડતાં હતાં, આખા જંગલમાં અને