પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦

આઘેના સુંદરગિરિનાં કોતરોમાં વિકરાળ પડઘા ઉઠી રહ્યા હતા, અને ધોરી માર્ગપર એક ઠેકાણે એકલો બેઠો બેઠો આવી મહાગર્જના કરતા મદોન્મત્ત સિંહ પશુમાત્રમાં પોતાની આણ વર્તાવતો હતો અને આખા જંગલમાં ખુણેથી ખુણે સર્વત્ર તેની હાક વાગી રહી હતી. અગ્નિના અંગારા પેઠે તેની આંખો રાતા તેજથી ચળકતી હતી અને આઘે સુધી તીવ્ર ભયંકર કટાક્ષ નાંખતી હતી. ક્રૂર પશુઓનો આ મહારાજ ઘડી ઘડી યાળ ફેંકારતો હતો અને તે વીંઝાતી તેના સ્વરથી ચમકતાં તમરાં પણ ચુપ થઇ જતાં હતાં. જે રસ્તાને એક છેડે આ વનરાજ આવી રીતે બીરાજતો હતો તે જ રસ્તાને બીજે છેડે તે જ સમયે, કાળજું કહ્યું ન કરે એવે સ્થળે ને સમયે મનસ્વી મન-રાજ સરસ્વતીચંદ્ર ત્રિભેટા આગળ વચ્ચોવચ એકલો પડ્યો પડ્યો નિર્ભય અને નિઃશંક મૂર્છાસમાધિ સાધતો હતો.

આ પ્રસંગે આખા જંગલમાં પેસવા કોઇ માનવીની છાતી ચાલે એમ ન હતું અને ખરા શુરવીરો પણ રાત્રિ સમયે આ ભયંકર જનાવરોને છંછેડવા હીંમત ધરતા ન્હોતા. આખા જંગલમાં માત્ર જનાવરોની કારમી ચીસો સંભળાયાં કરતી અને બ્હારવટિયાઓ રાવણું કરતા તે પણ મનહરપુરીની બાજુના વડમાં ભરાતા. સરસ્વતીચંદ્ર પડ્યો હતો તે જગા વડથી થોડે છેટે હતી અને વડ નીચે ઉઠતે શોરબકોર પણ અંધારામાં કાન ઉપર અફળાતો ત્યારે ઓછો ભયંકર ન્હોતો લાગતો. આકાશમાં તારાનાં ઝુંડ ઝબુકતાં હતાં તે પણ ભયંકર પ્રાણીઓની અાંખો જેવાં વિકરાળ પ્રકાશવાળાં લાગતા હતાં અને જંગલનો આ ઠાઠ જોઇ નબળો પોચો માણસ તે ભયથી ગાંડો જ થઇ જાય. સરસ્વતીચંદ્રની મૂર્છા વળી, તો પણ ઉઠવાની કે બોલવાની તેનામાં શક્તિ રહી ન હતી. રસ્તાની ધુળમાં ચતોપાટ પડેલો હતો તેને કાંઇક શુદ્ધિ આવતાં, પ્રથમ કાન સચેત થવા પામતાં, સિંહની ત્રાડતી ગર્જના અને તેની સાથે જ બીજાં પ્રાણીઓની ચીસો એકદમ એ કાનમાં દોડી આવવા લાગી, અને અાંખો ઉઘડતાં એ ગર્જનાઓથી ગાજતો વીંઝાતો ત્રાસ વર્ષાવતો અંધકાર અને અંધકારસાગરને પેલે કીનારે ચાંચિયાઓની તરવારોની અણિયોપેઠે ચળકતા ચમકતા તારાઓ દૃષ્ટિમાં ઉપરા ઉપરી, ઉભરાવા લાગ્યા. સરસ્વતીચંદ્રના પંડિત વિચાર નાસી ગયા; કવિતા તો પાસે આવી જ નહી; જ્ઞાનમાર્ગ તો સુઝ્યો જ નહી, માબાપ, કુમુદસુંદરી, અને ચંદ્રકાંત પણ એના મનની દષ્ટિમર્યાદામાંથી ખસી ગયાં; મરણકાળે સઉને મુકી એકલાં