પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩

સરસ્વતીચંદ્રના રહેલા ભાનના અંગારામાં [૧]વિષપેઠે વ્યાપી ગઇ અને તેની સાથે એ અંગારો હોલાઇ ગયો. જંગલ પાછું હતું તેવું થઇ ગયું; સરસ્વતીચંદ્રના હૃદયના ધબકારા પણ બંધ થઇ ગયા; એને ધારણ કરનારી રાત્રિચિતામાં અંધકાર ભડભડ લાગવા માંડ્યો, અને જંગલ-સ્મશાનમાં પ્રાણી બંધુઓની પોકેપોક ચારે પાસ ગાજી રહી અને આકાશને ભેદવા લાગી. કઠણમાં કઠણ કાળજાં ચીરી નાંખે એવી મરણપોક જેવી સિંહગર્જના બીજા સર્વ નાદને ડુબાવી દેઇ એકલી સંભળાવા લાગી; અને દશે દિશાઓ ઘોર શૂન્ય અંધકારમાં યમને ખેાળે પડેલા સરસ્વતીચંદ્રની પ્રાણયાત્રાના અવસાનના સાક્ષીભૂત થવા,એ સુતો હતો ત્યાંથી ફરતા બે ત્રણ ગાઉ સુધીમાં, કોઇ માનવી આ ભયંકર પ્રહરે હશે એવી કલ્પના પણ થવાનું કારણ ન હતું. ચારે પાસનું જંગલ, પૃથ્વી, આકાશ, અને સર્વ દિશાઓ એકદમ આ પુરુષના પ્રાણને વાસ્તે પોકારતી હતી અને એ પોકાર અંધકારમાં પડઘા પામી ગાજી ઉઠતો હતો. “ઓ સરસ્વતીચંદ્ર !” – “સરસ્વતીચંદ્ર ! સરસ્વતીચંદ્ર ઓ ! ઓ !”...... એવી લંબાતી કારમી ચીસ આખા અરણ્યમાંથી ઉંચા તાડોનાં વચાળાંમાં થઇને નીકળતી લાગતી હતી, અને ઠેઠ મનહરપુરીમાં પ્હોચી ચંદ્રકાંતના હૃદયને ચીરતી હતી, અને સુવર્ણપુર સુધી પ્હોચી ગરીબ કુમુદસુંદરીની આંખોમાંથી ઉંઘને હાંકી ક્‌હાડી આંસુનો સાગર ઉભરાવતી હતી અને અમાત્યનો મ્હેલ અને પ્રમાદધનનું રંગભવન તેને મન સ્મશાન જેવું કરી દેતી હતી.

માનવીનો પગસંચાર આ અરણ્યમાં થવો અસંભવિત હતો તેવે આ પ્રહરે જે રસ્તે સરસ્વતીચંદ્ર શબવત પડ્યો હતો તે રસ્તાપર કેટલેક છેટે પૂર્વદિશામાં ભૂતાવળ જેવું એક ટોળું આવતું હતું એ ટોળું બ્હારવટિયાઓનું ન હતું, કારણ એ લોક તો ક્યારના વડ આગળથી વેરાઇ ગયા હતા. અત્યારે રાત્રિના અગિયાર વાગ્યા હતા, અને રાત્રિ વધી તેમ તેમ ભયંકર થતી ગઇ, ભયંકર પશુઓની ચીસો વધતી ગઇ, અને ધુવડ ઠેકાણે ઠેકાણે નીકળી પડી ઘુઘવવા લાગ્યાં. જંગલમાં પડતી ચીસોનો પ્રત્યુત્તર મનહરપુરીની શેરીઓના કુતરા મ્હોટે સાદે કરવા લાગ્યા અને તેમનું ભસવું અને રોવું આ રસ્તા સુધી સંભળાવા લાગ્યું. આકાશમાં તારાઓના પોપડે પોપડા બંધાયા અને તેમનું તેજ એકાંત ભયસૂચક લાગવા માંડયું. ક્વચિત એકાદ રડીખડી કાળાશ મારતી ન્હાની વાદળી શીવાય જ્યાં જુવો ત્યાં તારા - જ તારા અને વચ્ચે -


  1. ૧. વિષ-ઝેર, પાણી.