પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૫

ભયંકર જંગલમાં ભજનની લ્હેમાં ઉન્મત્ત પડતા પગના ધબકારા : આ સર્વથી આ અલ્મસ્ત જોગિઓનું ટોળું આખા જંગલને, ચ્હડાઇ કરી, સર કરતું લાગતું હતું અને સિંહવાઘનાથી ત્રાસ થાય તેના કરતાં આ સ્થળે આ સમયે તેમની આ દશાનું દર્શન માણસની છાતીને ઓછી કંપાવે તેવું ન હતું. ફાળેા ભરતા ભરતા, ત્રાડો નાંખતા નાંખતા, મસાલોની ઉંચી ઝાળેની ગુફાઓમાંથી ઉછાળા મારતા હોય તેમ, ધસતા ધપતા સર્વ બીહામણા બાવાઓ સરસ્વતીચંદ્રના શરીર પાસે. આવી પહોંચ્યા. તેમના શરીરપર જુદે જુદે ઠેકાણે કરેલાં ગોપીચંદન, કંકુ, અને સિંદૂરનાં છાપાં તિલકને લીધે મ્હોટા વાઘના ટોળાના જેવા તે લાગતા હતા. તેમના ખખડતા લાંબા કાળા ચીપીઆ મ્હોટા નાગની પેઠે તેમની કેડેથી, ખભાથી, અથવા હાથથી લટકતા હતા. સઉના ખભા પાછળ હોડકાના આકારનાં જાડાં લાંબાં લાકડાનાં ભિક્ષાપાત્ર નાંખી દીધાં હતાં અને ભરેલી ભગવી ઝોળિયો સઉની બગલો નીચે ઝોળા ખાતી હતી. મહારુદ્રની આસપાસ વીંટાઇ વળી આવતા ભયંકર ગણોના ટોળા પેઠે એ ટોળું ફાળે ભરતું સરસ્વતીચંદ્રના શરીર પાસે આવી પહોચ્યું, અને એ શરીર ચગદાઈ જાય તે પ્હેલાં મસાલોનું અજવાળું એના પર પડવાથી સઉની આગળ ચાલતો બાવો ચમક્યો, ખચક્યો, એ શરીર પર દૃષ્ટિ નાંખી ઉભો રહ્યો, અને તેની સાથે જ સર્વ ટોળું ઉભુ રહ્યું, નિશ્ચેષ્ટ થયું, એકદમ બોલતું બંધ થઇ ગયું, અને ગાડીમાંથી જોગીશ્વરે બુમ પાડીઃ “મોહનપુરી, શું છે ?” આગળ ચાલતા બાવા મોહનપુરીની આશપાસ તરવારબંધ કેટલાક બાવા ભરાઈ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને નીચે વળી મસાલવડે ન્યાળતો . પ્રચંડ બાવો મોહનપુરી બોલ્યો : “ગુરુજી, માણસનું શરીર શબવત પડેલું છે.” વધારે ન્યાળી બેલ્યો: “આજ્ઞા હોય તો સ્પર્શ કરીને જોઉં કે જીવે છે કે શબ છે.” પરીક્ષા કરી સર્વેયે ઠરાવ કર્યો કે જનાવરે એને માર્યો નથી અને એ મરી ગયો નથી. ગુરુજીએ ધ્યાન ધરી આજ્ઞા કરી: “બચ્ચા, એ પુરુષને ઉચકી લે, શ્રી જગદીશની ઇચ્છા છે કે સુંદરગિરિના મઠનો આ પુરુષ ઉત્કર્ષ કરશે અને ત્યાંના સાધુ ગોસાંઇઓ જતે દિવસે એના આશ્રિત થઈ ર્‌હેશે, બચ્ચા, એને જીવની પેઠે જાળવજે! એ મહાપુરુષ થશે અને સાધુસંત એના ચરણારવિંદની સેવા કરશે !”

ત્રિકાળજ્ઞાની ગણાતા જોગીશ્વરનું આ અણધાર્યું વચન સાંભળી સર્વ સ્તબ્ધ થઇ ગયા. સરસ્વતીચંદ્રના શરીરને બળવાન મોહનપુરીએ