પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯

કરવાની તેની શક્તિ ન રહી. ગુંચવારામાં પડેલી, દુ:ખમાં પડેલી, કુમુદ ખુરસીપર માથું ઉંધું નાંખી રોતી રોતી બેઠી.

પ્રમાદધને કૃષ્ણકલિકાને શોધી ક્‌હાડી, હકીકત કહી, અને શીખામણ મળી કે “હવે કુમુદસુંદરી સાથે લાંબું કરવામાં માલ નથી, એને કહો કે ત્હારી પરીક્ષા કરવા આટલું કર્યું હતું, તું બગડેલી નથી એવી મ્હારી ખાતરી થઇ એવું ક્‌હો એને વ્હાલ દેખાડો અને છેતરી પિયર મોકલી દ્યો, એ જાય એટલે આપણે બેનો કાંટો જશે, તમારા મનમાં મેલ રહ્યો એને લાગશે તો જવાનું બંધ રાખશે અને આપણે સાલ ર્‍હેશે, એ જાય તો પછી તમારા પિતા આગળ મ્હારી બાબત ફરિયાદી આવે તો આ કાગળના કડકા બતાવજો અને ક્‌હેજો કે તમને કુમુદની નઠારી ચાલની ખબર પડી એટલે એણે આ તમારા સામી વાત ચલાવી. પણ એ બધું એના ગયા પછી કરજો.”

પ્રમાદધનને આ યુક્તિ ગમી, તેણે તે સાંગોપાંગ પાર ઉતારી, કુમુદસુંદરી છેતરાઇ, અને પિયરના અને સાસરાના સ્વારોની વચ્ચે ગાડી રાખી, તેમના રક્ષણમાં રહી, સરસ્વતીચંદ્ર નીકળ્યો હતો તે દિવસ વીતતાં અડધી રાત્રિ ગયા પછી છેક પાછલી રાત્રે નીકળી. સાસુ અને નણંદ તે પ્રસંગે વહુને ભેટ્યાં અને સર્વે પુષ્કળ રોયાં, બુદ્ધિધન ગળગળો થઇ ગયો, અને પ્રમાદધન વગર બાકી ઘરનાં સર્વ માણસ ઉદાસ જેવાં થઇ ગયાં. બુદ્ધિધનના ઘર આગળથી ગાડી ચાલી. “ કુમુદસુંદરી; વ્હેલાં આવજો,” “ભાભી, જો જો, પંદર દિવસથી વધારે એક દિવસ પણ ર્‌હેશો નહી, હોં !” “બેટા, પિયરમાં તો સઉને આનંદ થશે પણ મારું તો ઘર તમે આવશો ત્યાં સુધી સુનું, હોં – બેટા, જરુર વ્હેલાં આવજો - સાસુની દયા જાણજો,” “ભાભીસાહેબ, સંભાળ રાખજો ને વ્હેલાં આવજો.” આવા અને એ જાતના બીજા શોકમય શબ્દોથી, બુદ્ધિધનના નિ:શ્વાસથી, સૌભાગ્યદેવીનાં ડુસકાંથી, અને અલકકિશોરીના મ્હોટે સાદે રોવાથી, વીંધાયલા અંધકારને પાછળ મુકી સર્વના શોકને સમાસ આપતી રોતી રોતી બેઠેલી કુમુદસુંદરીના રથનાં ચક્રનો સ્વર અને સ્વારોના ઘોડાઓના પગના ડાબકા અંધકારમાં સંભળાતા બંધ થઇ ગયા, તેની સાથની મશાલોનો પ્રકાશ અદૃશ્ય થયો, અને બાકી રહેલી રાત્રે ઉંઘવાનું મુકી દઇ સુવર્ણપુરના નવા કારભારીના ઘરમાં, સર્વ મંડળ ચતુર અને સુશીલ વહુના ગુણની વાતોનાં કીર્તન કથા કરવા મંડી ગયું, અને માત્ર