પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦

પ્રમાદધન નીરાંત વાળી, ઉલ્લાસ પામી, ઘસઘસાટ ઉંધી ગયો અને કૃષ્ણકલિકાનાં સ્વપ્નમાં પડ્યો.

કુમુદસુંદરીએ ગામ છોડ્યું ત્યાર પ્હેલાં તેના રથને રોકનાર માત્ર વનલીલા મળી. કૃષ્ણકલિકાને પ્રમાદધન મળ્યો હતો અને તેમની બેની વચ્ચે વાત થઈ હતી તે સર્વ એણે અકસ્માત્ સંતાઇ રહી છાનીમાની સાંભળી હતી અને કુમુદસુંદરીને કહું તે એને નકામું દુ:ખ થશે એમ જાણી તથા પ્રસંગ ન મળવાથી એણે એ વાત એને કહી ન હતી, પરંતુ આખરે એ વાત પેટમાં રાખી શકી નહી અને છેક મોડી રાત્રે વિચાર થયો કે હું જ્યારે કુમુદસુંદરીને નહી કહું ત્યારે કોણ ક્‌હેશે ? આથી એણે બધી વાત કાગળ પર ચીતરી ક્‌હાડી અને પાછલી રાત્રે પોતાના ઘરની બારીએ જાગતી ઉભી રહી તે જ્યારે રથ અને સ્વાર આવતા દીઠા એટલે નીચે ઉતરી રથ ઉભો રખાવી માંહ્ય ચ્હડી, કુમુદસુંદરીના હાથમાં કાગળ આપી અજવાળું થાય ત્યારે વાંચવા કહ્યું, અને બોલી કે “કુમુદબ્હેન, આ કાગળમાં સ્હેજ હકીકત લખી છે તેથી રજ ગભરાશો નહી – ટપાલમાં કાગળ લખાય નહી અને આ ગાડીમાં વાત થાય નહી માટે આ કાગળ લખી આપ્યો છે તે નીરાંતે વાંચજો. તમારા પ્રતાપથી સઉ વાનાં સારાં થશે.” વળી જતી જતી બોલી “ કુમુદબ્હેન, માયા રાખજો ” “તમારો સ્નેહ ભુલાવાનો નથી,” “મારે તમારા વિના વાત કરવાનું ઠેકાણું નથી,” “કાગળ હું લખીશ – તમે લખજો,” “વ્હેલાં આવજો, ” “ધીરજ રાખજો,” “તમારાં ગુણિયલને બોલાવજો.” “અરેરે, માયા જ ખોટી – પાછી જવાનું કરું છું પણ જવાતું નથી,” “તમારા ગુણોવડે અમે સઉ કાચે તાંતણે બંધાયલાં છિયે,” “ હાય, હાય, શું જશો જ !” આ અને એવાં અનેક કરુણ વાકયો બોલતી રોતી વનલીલા કુમુદસુંદરીને ભેટી પડી, બે જણ રોયાં. “એ મ્હારી વનલીલુડી – એક રાત ત્હારી સાથે વાત કરવાની મળી હત તો વરાળ ક્‌હાડત ! – પણ હવે તો જે થયું તે ખરું ” – “માયા રાખજે, ” “ રત્નનગરી અવાય તો આવજે ” વગેરે બોલતી કુમુદ ફરી ફરી ભેટી અને રોઇ, અને આખરે બે જુદાં પડ્યાં, વનલીલા રોતી રોતી ઘરમાં પેઠી; અને એણે આપેલા કાગળમાં લખેલા ભયંકર સમાચાર ન જાણી, એમાં કાંઇ ગામગપાટા હશે એમ કલ્પતી કુમુદસુંદરીએ એ કાગળ નિશ્ચિંત ચિત્તથી કમખામાં મુકયો. રથ ચાલ્યો. પિયરના, સરસ્વતીચંદ્રના, પ્રમાદધનના, સાસુસસરાના અને નણંદના,