પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩

આણીપાસ સુરસિંહનાં માણસો રાવણામાંથી વેરાઇ પોતાના સરદારે બતાવ્યા પ્રમાણે વ્હેંચાઈ ગયાં હતાં અને દરેક તુકડી પોતાના નાયક સાથે આસપાસનાં જંગલમાં વેરાયલાં ગામડાંમાં પાંચેક કલાકની અસ્વસ્થ નિદ્રા ભોગવવા વેરાઇ ગઇ હતી. કોઇક ગામડાં ઉજડ હતાં અને ઉજડ થઇ ગયેલી વસ્તીનાં બાકી રહેલાં ગોઝારાં ઘર શીવાય તેમાં કંઇ ન હતું કોઇક ગામડાંમાં જુજ વસ્તી હતી તે સુરસિંહનાં માણસો, પડ્યાં ર્‌હેવા આવે તેને ના ક્‌હેવા છાતી ચલાવે એટલા ચોકીદારો ત્યાં ન હતા. આવી જગાઓમાં ભોંય ઉપર અથવા ઘાસ ઉપર અથવા હોડવાની ચાદર ઉપર જેને જેમ ફાવ્યું તેમ પથારી કરી, હાથ ઉપર અથવા પથરા ઉપર અથવા માથે બાંધવાનાં ફાળિયાં ઉપર અથવા ઢાલ ઉપર ઉશીકાં કરી, તરવારો કેડે રાખી, કામઠાં અને ભાલેડાં ઉપર હાથ રાખી, બરછીએ અને ડાંગ ઉપર પગ નાંખી, અધ ઉધતાં અને અર્ધા જાગતાં પ્રતાપસિંહ, વાઘજી, ભીમજી અને ચંદનદાસનાં માણસો જુદે જુદે ઠેકાણે સુઇ ગયાં. તેમાંનાં થોડાંક ન્હાની ન્હાની તાપણીઓ સળગાવી, આસપાસ ભરાઇ, ચારે પાસ નજર ફેરવતા, ચોકી કરતા બેઠા, ચલમે છુંકવા લાગ્યા, વચ્ચે વચ્ચે ઝીણી ઝીણી વાતે કરી નિદ્રાને દૂર ક્‌હાડી મુકવા લાગ્યા, અને જેમ જેમ રાત ચાલતી ગઇ તેમ તેમ ઉંચે તારાઓ ભણી નજર કરી સઉને ઉઠાડવાને અને ચાલવાને બાકી રહેલો વખત માપવા લાગ્યા.

ઉભય પક્ષનાં માણસોએ રાત્રિ અધીરાઇ અને આતુરતાના ઉજાગરામાં ગાળી. સુરસંગ અને તેનાં માણસોને કાંઇક નિશ્ચિંતતાનું કારણ એટલું હતું કે પોતાની છાની વાતની કોઇને પણ ખબર પડી હશે એવી તેમને કલ્પના સરખી પણ ન હતી. તેઓએ સઉ જાતની તૈયારી રાખી હતી, પણ આટલે સુધી તેમનાં મન તયાર ન હતાં. વિઘાચતુરની રાજનીતિનું એક ધોરણ એ હતું કે સઉ વાત એને પોતાને કાને આવે એટલું જ નહી પણ જેને જે કામ સોંપ્યું હોય તે માણસ તે કામ બાબત ચારેપાસથી ખબર રાખે. દેશી રાજ્યમાં ઘણું ખરું એમ બને છે કે હાથ નીચેનાં માણસો વિશ્વાસયોગ્ય હોતાં નથી ને તેમના ઉપર વિશ્વાસ રાખવામાં આવતો પણ નથી. આનું પરિણામ એવું થાય છે કે માણસોને કામ સોંપ્યા વિના તો ચાલતું નથી, છતાં અવિશ્વાસને લીધે કામ કરવાની સ્વતંત્રતા આ માણસોને આપવામાં આવતી નથી. આમ પરતંત્ર થયેલાં માણસ કામ સાધવાની વૃત્તિ રાખવા કરતાં ઉપરીને ખુશ રાખી પોતાને માથે જોખમ ન આવે એવા માર્ગ