પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬

વેળાસર લેવાયો. વૃદ્ધ માનચતુરે તેમને યોગ્ય માર્ગ બતાવ્યો. ત્રણ સત્તાના સીમાડાઓ વચ્ચે એવો પ્રતાપ જગાડવો કે શસ્ત્ર વાપર્યા વિના શત્રુ ડરી જાય અને પારકી સત્તા નીચેના પ્રદેશમાં શસ્ત્ર વાપરી પરરાજ્યમાં ન્યાયાધીશો પાસે આરોપી ન થવું પડે, શત્રુ જાણે કે માર્યા જઇશું અને આપણે જાણવું કે તેમને મારવા ન પડે અને ધારેલું કામ પાર ઉતરે; આ અને એવાં બીજાં પ્રયોજનોવાળો માર્ગ માનચતુરે બતાવ્યો તેની સાથે જ સાંભળનારા સમજી ગયા અને ત્વરાથી તે માર્ગે પ્રવર્ત્યા. વધારે સૂચનાની કેાઇને અગત્ય ન પડી. કળવાળા વાજાને એક ઠેકાણેથી જગાડે એટલે સર્વ ભુંગળીઓમાંથી રાગ નીકળવા માંડે તેમ માનચતુરની આજ્ઞાઓ ઝીલાઇ.

અબદુલ્લા, મુખી, અને ફતેહસિંગ સર્વને પોતપોતાની શક્તિ બતાવવાનો ઉમંગ હતો, પણ ઉમંગનો પ્રસંગ તેમના હાથમાં ન હતો. પણ હરભમને તે એ પ્રસંગ જાતેજ શોધવાનો હતો.

જયારે રાત્રિના પ્હેલા પ્રહરમાં બ્હારવટિયાઓ વડનીચે મળ્યા હતા ત્યારે તેમની સર્વ વાત હરભમેજ વડની ડાળેામાં રહી જાણી લીધી હતી. મનહરપુરીમાંથી નીકળી સુરસંગની પુઠ લેવાનું કામ તેને માથે આવ્યું અને તે કામમાં પણ સુરસંગનો પત્તો મેળવવાનું તેને માથે આવ્યું. શૂરકાર્યમાં ચારકર્મ ભેળવવાનું નાનું સરખું પણ દુસ્તર કામ કરવામાં હરભમને કાંઇક ખાસ આનંદ મળતો અને એ આનંદથી એની બુદ્ધિ ખીલતી. જ્યારે માનચતુર અને બીજી સર્વ તુકડીઓ સુવર્ણપુરને માર્ગે વળી ત્યારે હરભમ પોતાનાં વીણી ક્‌હાડેલાં માણસો લેઇ બીજે જ માર્ગે નીકળ્યો. પૂર્વ દિશાના આંબાના વનમાં ઇંગ્રેજી હદનાં ઘણાંક ખેડાં ગામડાંમાં એણે પોતાની બુદ્ધિને મોકલી. કેટલાંક મુખ્ય ગામડાંમાં જાતે ફરી વળ્યો; કેટલાંક ગામડાંને પાદર રહી માણસો દ્વારા સમાચાર પ્રસાર્યા; કેટલાંક આઘેનાં ગામડાંમાં રાત્રિને વખત જતો આવતો કોઇ ચોર અથવા વિરલો મુસાફર મળી આવ્યો તો તેની સાથે પણ વાત કરવી ચુક્યો નહી. કોઇ ઠેકાણે સમાચાર મુક્યા, કોઇ ઠેકાણે મેળવ્યા, અને કોઇ ઠેકાણે મોકલ્યા. જ્યાં મિત્રો હતા ત્યાં ત્રણે વાનાં કર્યા; જયાં અજાણ્યાં માણસો હતાં ત્યાંથી માત્ર સમાચાર મેળવ્યા; જ્યાં સુરસંગનાં માણસ હતાં ત્યાંથી સમાચાર મેળવવા પ્રયત્ન કર્યો એટલુંજ નહીં પણ સુરસંગને પ્હોંચાડવા ખરાખોટા સમાચારના ગોળા ફેંકયા. સર્વ ગામોમાં બેધડક સમાચાર ફેલાવ્યા કે સુરસંગની વાત રત્નનગરી અને સુવર્ણપુર સુધી પ્હોચી ગઈ છે અને પ્રાત:કાળમાં