પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭

બ્હારવટિયાઓ કંઇ પણ શિક્ષાપાત્ર અપરાધ કરવો આરંભે એટલી જ વાટ જોવી એવો હુકમ લઇ, તે વાટ જોતાં અપરાધિયો જાળમાં ફસે એટલે તેમને પકડવાને જોઇએ એટલું લશ્કર બે સંસ્થાનો તેમ ઇંગ્રેજી રાજ્યમાંથી આવેલું પ્રાતઃકાળે માલમ પડશે. સુરસંગનો પત્તો લાગવો આ અંધકારમાં જંગલમાં થોડા વખતમાં કઠણ હતો પણ હરભમે આ આટલું કામ કર્યું તેથી સુરસંગને કાને જવા પામ્યું, તેની અને તેના માણસોની હીમ્મત રાત્રિથી નરમ પડી, અને ગામે ગામના મુખિયા અને રખેવાળો પ્રાત:કાળની વાટ જોતા પોતપોતાની હદમાં સાવધાન થઇ ગયા.

ભયંકર પ્રાણીઓવાળા આ જંગલમાં અંધકારને સમયે ફરવાની છાતી ચલવે, ઉતાવળા થયા વિના સાવધાનપણે અગમચેતી વાપરે, ચતુરાઇનું શેતરંજ રમતા પાછી પ્હાની ક્‌હાડે નહી – એવા વિદ્યાચતુરના અનુકારક સેવકોમાંનો આ એક હરભમ, આખી રાત આથડી, સુભદ્રા ઉપર એક એવે સ્થાને રહ્યો કે જ્યાંથી પોતાનાં અને સામાનાં સર્વ પાસનાં માણસોના સમાચાર મળે અને તેમાંથી જેમાં ભળી જવું હોય તેમાં ભળી જવાય. એણે એવી કલ્પના કરી કે સુરસિંહને કોઇ એવે ઠેકાણે ર્‌હેવું પડશે કે ત્યાંથી પ્રતાપ, વાઘજી અને ભીમજી સર્વની દોરિયો હાથમાં ર્‌હે. આવું ઠેકાણું સુરસિંહ ક્યાં શોધી ક્‌હાડશે તેનું અનુમાન કરી, સુરસિંહ પોતાને ઠેકાણેથી છાનોમાનો નીકળી ન જાય પણ તેની પુઠ લેવાય એટલું એની પાસે ર્‌હેવાય એવો જોગ રાખી, એક ન્હાના સરખા ખંડેરમાં હરભમ રાત્રિના છેક ચાર વાગતાં જાગતો વીસામો લેવા પામ્યો. અંધકારમાં કાકડા સળગાવી એ અને એના સાથિયો ઘોડાઓનો થાક ઉતારવા ઉતર્યા, તેમને તાજા કરવા તેમની નોકરી કરવા મંડ્યા અને તોબરા ચ્હડાવી દીધા, અને પોતે તાજા થવા બીડિયો ફુંકવા લાગ્યા અને ધીમી ધીમી વાતો કરવા લાગ્યા. હરભમ પોતે ઘોડાને થાબડતો વાતો કરતો ખંડેરના દરવાજા આગળ બ્હાર આંખ અને કાન રાખતો એક પથરા ઉપર બેઠો. જેમ પ્રાતઃકાળની એ સઉ વાટ જોતા હતા તેવીજ રીતે એમને મળવાને આતુર દેખાતો પ્રાત:કાળ, પૂર્વ દિશાના આકાશમાં અંધકારે ભીડેલાં કમાડ પોતાના સતેજ હાથથી બ્હાર ઉભો ઉભો ઉઘાડવાનું કરતો હતો, અને તે હાથના નખ એ કમાડો વચ્ચેની તડમાં કંઇક ચળકતા હતા.