પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૯

કરચલિયોવાળા પેટની પેઠે, માનવીના હાથમાં પોતાનો ફાલ આપી દેઇ, એકાંતમાં શાંત વિશ્રાંતિની મીઠાશ ભોગવતી જાગતી સુતી સુતી આકાશ સામું જોવા લાગી. ક્ષિતિજના છેડામાં તથા આશપાશ મ્હોટાં ન્હાનાં ઝાડો, એક બીજાના ખભા ઉપર ડોકિયાં કરી, ઉગનાર સૂર્યના સાજનની વાટ જોવા લાગ્યાં. મળસ્કાનો ઉજાસ પ્રથમ આછો આછો દેખાઇ, મદનના ચાળાઓ પેઠે, જંગલનાં સર્વ અવયવોમાં સ્ફુરવા લાગ્યો. જંગલનાં ક્રૂર પ્રાણિયો સંતાઇ ગયાં તેને સ્થાને પક્ષિયોની કોમળ જાતિયો ઝાડો ઉપર ઉડાઉડ કરવા લાગી, કલોલ કરી રહી, અને જુદા જુદા મધુરા સ્વરથી ગાયન કરવા મંડી. પક્ષિવર્ગનાં નરમાદા મદનની આણ દિવસે પાળવા લાગ્યાં, અને મત્ત ખેલ મચાવી મુકયા. માદાઓ બાળક પક્ષિની ચાંચમાં ધાન્યના કણ મુકવા લાગી અને પક્ષીજાતમાં પણ માતાનો સ્નેહ દૃષ્ટાંત પામ્યો.

મળસ્કું થયું, અંધારું ગયું, પૃથ્વીના – વનસ્પતિના – અને તારાને ઢાંકનાર તેજવાળા આકાશના – રંગ અને આકાર ઉઘાડા થયા, અને રથના પડદાઓ ભેદી, આંખનાં પોપચાંમાં પેસી, પવનની લ્હેરે અને તડકા વગરના તેજે કુમુદની આંખો ઉઘાડી અને એને જગાડી જાગતાની સાથે વનલીલાનો પત્ર કમખામાંથી ક્‌હાડ્યો અને, જરીક બેઠી થઇ, ઉંઘડતી આંખો નાજુક આંગળિયો વડે ચોળી ચોળી ઉઘાડી, કાગળ આતુરતાથી વાંચવા લાગી. સ્વભાવે રસીલી, દુ:ખમાં પણ રમતિયાળ, હેતાળ વનલીલાનો કાગળ લાંબો અને એના સ્વભાવ પ્રમાણે જ હતો. કુમુદ પ્રથમ તો કાગળને ઉપર ઉપરથી અથથી ઈતિ સુધી ઉતાવળી ઉતાવળી વાંચી ગઇ અને મતલબ જાણી લીધી. બીજીવાર કાગળની વીગત ઉપર ધ્યાન આપી પુરેપુરો અક્ષરે અક્ષરે વાંચ્યો. ત્રીજી વખત તેમાંનો કેટલોક ભાગ ફરી ફરી વાંચવા લાગી.

કૃષ્ણકલિકા અને પ્રમાદધનની સંતલસ આ પત્રમાં પુરેપુરી વીગતવાર લખી હતી. પોતાને પતિએ છેતરી એ ભાનથી વિષાદ થયો; પતિના મનમાંથી કિલ્મિષ ગયું નથી એટલુંજ નહી પણ હજી એના ઉપર મલિન કૃષ્ણકલિકાની સત્તા છે અને એના ઉપરના જ કલંકિત પક્ષપાતને વશ થઈ પતિએ દુષ્ટ સંકેત રચ્યો છે એ વિચારથી કુમુદના મનમાં અચિંત્યો કાંટો પેઠા જેવું થયું. આત્મપરીક્ષા ન કરનાર પ્રમાદધનના મનમાંથી કુમુદસુંદરી ઉપરનો અણસમજનો દ્વેષ જતો નથી અને જાતે દશ ગણા દોષનું પાત્ર બને છે એ વિચારે આઘા ક્‌હાડવા છતાં નિર્બળ થાકેલી બાળાના મનમાં પેઠા.