પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦

“અરેરે ! પોતે તે આટલાં વાનાં કરે છે અને મુજ રાંક અબળા ઉપર વિના કારણ આટલો જુલમ કરવાનો વિચાર રાખે છે એ તે કોનો ન્યાય ? ” – “ શું મ્હારી પુઠ પાછળ મ્હારી ફજેતી કરવા ધારી ?” – “દેવી અને અલકાબ્હેન મને કેવી જાણશે ?” “સસરાજી શું ધારશે?” – “એ સમાચાર ગુણિયલ પાસે પણ આવવાના જ ! ” – “ હું પાછી ફરું અને સુવર્ણપુર જાઉં ?” – “શું સત્ય તરી નહીં આવે ?”

“ઓ રે હરિ ! સત્યતણા તું સંગાતી !
“હરિ, હું તે કંઇયે નથી સમાતી.
“હરિ, મ્હારાં કોણ જન્મનાં કર્તુ ?
“ઓ રે હરિ ! ચોરીથી બીજું શું નરતું ?”[૧]

“દમયંતીના કરતાં પણ મ્હારે માથે ભુંડો આરોપ આવશે ! હું સઉને શું મ્હોં દેખાડીશ ? ઓ પ્રભુ, હવે તો મ્હારે એક તું રહ્યો.” આટલું કહી વિચારમાં પડી, રોઇ પડી, આંખો લોહી, પડદો ઉધાડી રથબ્હાર જોયું તો નવાં માણસો જોયાં અને ઘોડા ઉપર માનચતુર પર પણ નજર ગઇ. માનચતુર રથ ભણી આંખ રાખતો હતો તેણે પડદો ઉઘડતો દીઠો કે તરત ઘોડો છેક રથની પાસે લીધો.

“કેમ બ્હેન, ખુશીમાં છે ?”

“હા, વડીલ, પણ તમે ક્યાંથી ? ” આંખો ચોળતી ચોળતી ડોકું બહાર રાખી, પડદો ઝાલી રાખી, કુમુદ પુછવા લાગી.

“બ્હેન, ગુણસુંદરી ને સુંદર મનહરપુરી આવ્યાં છે ને રસ્તામાં કંઇ ભો સંભળાયો એટલે આ માણસે લેઇ તને જાળવવા આવ્યો છું.”

કુમદ ચમકીઃ “હેં – કોનો ભો છે ?”

“બ્હીનીશ નહીં, આપણી પાસે માણસો એટલાં બધાં છે કે કંઇ હરકત પડવાની નથી.” વાત ઉરાડવાના પ્રયોજનથી ડોસાએ બીજી વાત ક્‌હાડી: “ત્હારે સાસરે બધાં ખુશીમાં છે કની ?”

“ હા, સસરાજીને કારભાર મળ્યો ને કાલ જ શીરપાવ થયો.”

“ચાલો, બહુ આનંદની વાત. ત્યારે તો હવે તને અહંકાર ચ્ડ્યો હશે ? ” ડેાસો હસવા મંડ્યો.

“વડીલનાં બાળક અહંકાર રાખવો કયારે સમજ્યાં છે જે ? મ્હારા સસરાજી અને સાસુજીએ આપને નમસ્કાર ક્‌હાવ્યા છે.”

આટલા શબ્દ નીકળે છે એટલામાં સુભદ્રા નદી ઉપર બુમ પડી,


  1. *નળાખ્યાનમાંથી.