પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૮૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧

રથની આશપાસ સ્વરો કાન માંડતા સજજ થઇ ગયા – હથિયાર સંભાળવા મંડી ગયા – રથની આશપાસ કોટ બાંધી ઉભા, રથ ઉભો રહ્યો, સઉના મ્હોં ઉપર લોહી ચ્હડી આવ્યાં, માનચતુર ઘોડા ઉપર ઉછળી ટટાર થઇ ગયો – શૌર્યના ઉકળાટથી કંપવા લાગ્યો – અને એકદમ તરવાર ઉઘાડી કરી – ઉંચી કરી – બોલી ઉઠયો: “સબુર ! જખ મારે છે” – “બ્હેન – ડરીશ નહી–હું , ત્હારી પડખે છું” – “અબ્દુલા, ચોપાસ નજર રાખજે – પળવાર અહિયાંજ ઉભા ર્‌હો !”

સઉ મંડળ ઉભું રહ્યું; સઉ બંધુકો ભરવા લાગ્યા. કુમુદસુંદરી છળી ગયા જેવી થઇ ગઇ, એનું મ્હોં બ્હાવરું થઇ ગયું, શાંતિ ખેંચી આણી પડદા બ્હાર લાંબી નજર નાંખવા લાગી: “શું છે? વડીલ, શું છે ? ”

“ડરીશ નહી – બ્હેન – માથું પડદામાં ખેંચી લે – આઘે બુમ થાય છે – બીજું કાંઇ નથી – હવણાં.”...…..

બુમ વધારે વધારે પડવા લાગી, પાસે આવવા લાગી, બંધુંકોના ધડાકા સંભળાવા લાગ્યા, આઘેના ઝાડો ઉપર ધુમાડા દેખાયો, એ જગા આગળથી પશુઓ નાસભાગ કરતાં નજરે પડ્યાં, પક્ષિયોનાં ટોળાં, ગાભરાં ગાભરાં કોલાહલ કરતાં ઉડવા મંડ્યાં અને કુમુદના રથ ઉપર થઇ જવા લાગ્યાં, અને ગાભરી ગાભરી કુમુદ ધ્રુજવા લાગી, એને પરસેવો થયો, એની છાતી ધડકવા લાગી, આંખો હરણની પેઠે – પારાનીપેઠે – આમથી તેમ સરવા લાગી, મ્હોં પ્હોળું થઇ ગયું, અને બોલવાની શક્તિ તેમ બીજાં સર્વ અવયવ શિથિલ થઇ લાચાર થઇ બંધાઇ ગયાં.

અબ્દુલ્લો આગળ જઇ ઉભો રહ્યો અને જે દિશામાંથી બુમ આવતી હતી તેણી પાસ આંખ ઝીણી કરી દઇ, તાકીને જોવા લાગ્યો. થોડી વારમાં એક સ્વાર એ દિશામાંથી આવતો દેખાયો – પાસે આવ્યો તેમ તેમ ઓળખાયો. ફતેહસિંહની તુકડીમાંનો એ એક સ્વાર હતો. ઘોડો દોડાવતો દોડાવતો તે અબ્દુલ્લાની પાસે આવી હાંફતો હાંફતો સમાચાર ક્‌હેવા લાગ્યો – અબ્દુલ્લો એને માનચતુરની પાસે લેઇ ગયો.

ચતે હાથે સલામ કરી એ સ્વાર બેલ્યો: “ઘણી ખમા મહારાજ મણિરાજને ! આખા જંગલમાં તેમની આણ વર્તાઇ ચુકી છે. સવાર પડતાં બ્હારવટિયાઓ આઘાપાછાં રહી આપણી તૈયારી જોઇ જવા લાગ્યા. ગામે ગામ – ઇંગ્રેજી હદમાં પણ – સઉ જાગૃત