પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૩

પ્રવાહ ખળખળ થતો હતો તે સાંભળતી હતી, ઘડીક તેનાં વ્હેતાં પાણી ભણી નજર કરતી હતી, પાણીતળેનાં ઉંડાણ કલ્પતી હતી, પુલભણી જોતી હતી, નિ:શ્વાસ મુકતી હતી, અને ઘડી ઘડી વળી ધૈર્ય પણ ધરતી હતી.

“આહા ! સરસ્વતીચંદ્ર ! આ અત્યંત ભયાનક પ્રદેશમાં અત્યારે ક્યાં હશો ? આટલું કષ્ટ શા માટે વેઠવું પડે છે? શું ધ્રુવની પેઠે તમને ઓછું આવ્યું ? – પણ તમારી તપશ્ચર્યા કોઇ શ્રદ્ધાથી સંભવે ? શું રોબિન્સન ક્રુઝોના જેવો અભિલાષ ધાર્યો? શું બાબર બાદશાહની પેઠે રાજ્ય જતાં કોમળ વયે વિકટ જંગલમાં કવિતા ગાવી ગમી ? તમે તો ક્‌હો છો કે,

“પતંગો ઉડતી જેવી
“હવે મ્હારી ગતિ તેવી !

“પતંગ પૃથ્વી સાથે સૂત્રથી સંધાય છે – તમને તો તે પણ ગમતું નથી. અરેરે !"

“નહી ઉંચે – નહી નીચે
“મળે આધાર, ઘન હીંચે
“નિરધાર - નિરાકાર !
“હવે મ્હારીયે એ ચાલ !”

“કોને વાસ્તે આટલું બધું ? હું જ મન્દભાગિની તમને આટલા બધા દુ:ખનો હેતુ થઇ પડી છું !"

“સ્ફુરે પોતે, ન દેખાય,
“કુમુદની ગંધ ગ્રહી વાય,
“અરણ્યે એકલો વાયુ,
“જીવન એ ભાવિ છે મ્હારું !

“મોઇ એ કુમુદ ! પત્થર ન જન્મી ! આહા ! પુરુષરત્ન ! નિર્માલ્ય કુમુદમાં તે શું દીઠું ? એનું ટુંકું ભાગ્ય ટુંકુ રહ્યું તેમાં તમે શાનું પ્રાયશ્ચિત્ત કરો છો ? – અં...હં......અરેરે !!"

“જહાંગીરી – ફકીરી એ !
"લલાટે લખાવી મ્હેં !

“અહો મ્હારા જહાંગીર !

“નુરજહાન તુજ નુર વિનાની, તે કાજ તું ટટળે શાને ?