પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪

 “પ્રમાદધનને પણ નથી ગમતી તે ગમતી તુજને શાને?”

મુખ ઉપર દીનતા અને નેત્રમાં આંસુ નિર્ભર ઉભરાયાં.

“જહાંગીર મુજ ધરે ફકીરી, વનચરનો સહચારી થયો.
“દુષ્ટ કુમુદને કાજ ઝુરે ને મ્હેલ છોડી વનવાસ થયો.

“હાય ! હાય ! હાય! હાય! હાય !”

આ વિચારમાં પળવાર નિદ્રાવશ થઇ, વળી કંઇક ચમકી ઉઠી, અને પ્રમાદધનના વિચારમાં પડી.

“ઓ મ્હારા સ્વામીનાથ ! મને તે કાળે તરવારથી મારી નાંખી હત તો મ્હારા સુભાગ્યની સીમા ન ર્‌હેત ! જે મ્હારે માટે ઝુરી ઝુરી ભટકે છે તેની હું નથી; હું મનને મારી મારી તમને વળગું છું તેના તમે નથીઃ એ શિક્ષા મને યોગ્ય જ છે – મને પુરી કરી હત તો એ શિક્ષા પુરી થાત ! એટલું પણ ભાગ્ય ક્યાંથી હોય ?"

“વ્હાલી વનલીલા ! તને તે મ્હારી દયા શાની આવે છે ?"

“એ દયાળુ બ્હારવટિયાઓ ! આવા ક્રૂર કેમ થાઓ છો ? – મને જીવવા કેમ દ્યો છો ? અરેરે ! શું તમારામાંથી એટલી પણ કળા જતી રહી કે ત્યાંથી ગોળી મારો તે આવીને બરાબર મ્હારા કાળજા વચ્ચે ન વાગે ને આ નિર્માલ્ય શરીરનો અંત ન આણે ?”

રથના પડદા ઉંચા કરી આધેનાં ઝાડ ભણી જોઇ ગણગણી: “બીગરી કોન સુધારે નાથ બિન ? બીગરી કોન સુધારે રી ?" – "ખરી વાત છે પણ મહારી બેવડી “બીગરી” તો નાથ પણ સુધારે એમ નથી.” વળી બીજા વિચારમાં પડી ઝાડો ભણી દૃષ્ટિ ફેંકી મનમાં બોલી :–

“પણે ઝાડોની ઘટા છે તેની પાછળ ચંદ્ર છુપાઇ રહ્યો હોય એમ પણ કેમ ન હોય – અરેરે ! આ અરણ્યમાંનાં પ્રાણિયો વચ્ચે – લુટારાઓ વચ્ચે – એની શી વલે થઇ હશે ? એ જે થયું હોય તે મ્હારે સારુ ! એણે મ્હારે સારુ એટલું કર્યું – એને વાસ્તે હું શું કરું ? હું કૃતઘ્ન છું. હું દુષ્ટ છું. હું નિર્દય છું.” રથમાં માથું ખેંચી લીધું અને પડદો પડવા દીધો. છાતી કુટી રથ વચ્ચે બેસી પડી; પાછી ટટાર થઇ ભ્રમર ચ્હડાવી. હૃદય અને મુખ ક્રોધને અપરિચિત છતાં, હૃદયમાં ક્રોધ જન્મ્યો અને કોમળ મુખ ઉપર વિકરાળ રૂપ ધરી ચ્હડી આવ્યો તેની સાથે ક્રોધથી રોવા જેવી બની બોલી: “ અહો ! ક્રૂર અને કૃતઘ્ન સ્ત્રી ! ! – તે હું જ !