પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮

ધીમે રહી ઉઠ્યો, શંકરની પાસે જઇ એના ઘોડાના ગળા ઉપર હાથ મુકી ક્‌હેવા લાગ્યો: “કેમ, શંકર મહારાજ, તમે કેમ ઉતરતા નથી ?”

શંકર ઉતર્યો, પણ ઉતરતાં ઉતરતાં ધીરે રહીને બોલ્યો : “ભાઇસાહેબ, સઉ ચિંતા ગઇ, પણ સુરસિંહના બે દીકરા બચી ન્હાસી ગયા છે, તેમાંથી એકની તો ચિંતા નથી – તે શૂર છે અને હલકું કામ કરે એવો નથી. પણ બીજો દીકરો પ્રતાપ કપટી છે, દુષ્ટ છે અને નીચ છે. તેની પાસે માણસો તો હવે નથી, પણ એકલો બેઠો બેઠો પણ રાવણની પેઠે સઉની નજર ચુકાવી કપટ કરે એવો છે – તે ક્યાં હશે ? – અને આપણે સ્વસ્થ થઇ બેસિયે એટલામાં એ કોઇ પણ પાસથી આવે એવું તો અત્રે નથી ? – એ – હું જોઉં છું”

માનચતુર કંઇક હસ્યો: “હજી એ હીંમત કરે એવો મૂર્ખ છે?”

“એમ તિરસ્કાર કરવા જેવો નથી. કુમુદસુંદરીને પકડવાં એવી એણે પ્રતિજ્ઞા કરી છે, એનું મન દુષ્ટ છે, અને એની બુદ્ધિ કપટમાં કુશળ છે – હું એને સારી પેઠે ઓળખું છું.”

“ઠીક, એ તો આપણે સઉ પાસથી જોતા રહીશું.”

માનચતુર અને શંકર જાજમ ભણી ગયા. ચાર માણસને સઉની આસપાસ ઉભા રાખ્યા અને આજ્ઞા આપી કે ચારે પાસ અચુક દૃષ્ટિ ફેરવતાં ર્‌હેવું કે સઉની સ્વસ્થતાનો ખોટો લાભ લેવા કોઇ તત્પર ન થાય. અત્યારે પ્રાત:કાળના સાતેક વાગ્યા હશે પણ જંગલમાં આઠ નવ વાગ્યા જેવું લાગતું હતું. સ્વચ્છ અને ચળકતું સૂર્યબિમ્બ આકાશમાં ઉતાવળું ઉંચું ચ્હડયું જતું હતું અને દૃષ્ટિથી ખમાય નહી એવું થવા માંડતું હતું. આકાશ એક મ્હોટા ચોગાન જેવું – મેદાન જેવું – લાગતું હતું અને તે ચારેપાસ તડકાથી ચળકતી ધોળી ભુરી રેતી ભરેલું દેખાતું હતું વાદળું તો હતું જ નહી. ચારેપાસ, પૃથ્વી ઉપર, ઝાડની ડાળો ઉપર, નદીના પટ ઉપર, તડકો રેલાતો હતો. પાસે નદીનો પુલ હતો તેની નીચે થઇ પાણી અથડાતું સ્વર કરતું જોરથી ચાલ્યું જતું હતું. કુમુદસુંદરી ઉઠી, નદીના તીર ઉપર ઉભી, ને નદીના મૂળ ભણી તેમ મુખ ભણી કુતૂહલથી જોવા લાગી: “વડીલ, આ પાણી કેટલું ઉંડું હશે ?” કુમુદ પાણીમાં નીચું જોવા લાગી; પાણી નિર્મળ છતાં નદીનું તળિયું દેખાતું ન હતું.

હરભમ પાસે આવી બોલી ઉઠ્યો: “બ્હેન, આ પુલ આગળ ખાડો છે ને સ્હેજ બે ત્રણ માથાં જેટલું પાણી ઉંડું હશે.”