પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૯


કુમુદ બોલી નહી. નદીનાં પાણીમાં, પટમાં, તેના વિચાર લીન થઇ ગયા; “સરસ્વતીચંદ્ર, તમે સાહસ તો નથી કર્યું? આ પાણીમાં ઝંપલાવ્યું તો નથી ?”

નદીમાં સરસ્વતીચંદ્રને શોધતી શોધતી પાણીના પ્રવાહપર એક સ્થળે સ્થિર દૃષ્ટિ કરી મનમાં ગણગણવા લાગી.

“જહાંગીર મુજ ધરે ફકીરી, જળચરનો સહચારો થયો ! "
“દુષ્ટ કુમુદને કાજ ઝુર્યો ને મ્હેલ છેડી - જળશાયી થયો !”
“હો સુભદ્રા !
"રત્ન પડ્યું તુજ ખોળે જો, તો યત્ન કરી તું સાચવજે!"
“પુરુષરત્નને કંઠે રાખી સ્નેહ થકી તું જાળવજે'! ”

“અલી સુભદ્રા તું ચતુર છે ? – એને નીરમાં ડુબાડીશ નહી – એને તો કંઠે [૧]જ રાખજે – મ્હારે કંઠે વળગાડજે.”

“સુભદ્રા, તું આજે આટલી પ્રસન્ન કેમ છે ?

“પુરુષરત્નને ઉરે ગ્રહી તું પ્રસન્ન થાય ના, તે મૂર્ખી;
“પુરુષરત્નને ધરી સમાગમ ધન્ય ધરે આવી સુરખી !”

“અલી સુભદ્રા, મ્હારા ભાગ્યની અદેખાઇ કરવાનું ત્હારે કાંઇ કારણ નથી હોં ! મ્હારા સ્વામી છે તે મ્હારા ઉપર સ્નેહ નથી રાખતા; મ્હારા ઉપર સ્નેહ રાખે તે મ્હારો સ્નેહી તો ખરો જ, પણ તેના ઉપર સ્નેહ રાખવાને મને અધિકાર નથી. એટલે હું નહી સ્વામીની ને નહી સ્નેહીની ! !”

[૨]“ સ્વામી શોધે બીજીને, તજી મને !
“ સ્નેહી શોધે મને, તજીને મને !
“શોધે સ્નેહી તે વ્યર્થ, એને નહી મળું;
“દેહ દીધો સ્વામીને પાછો ક્યમ લઉ ?
“ તજે સ્વામી ત્હોયે એ સ્વામી દેહનો;
“ તજે નહીંજ સ્નેહ યે બંધ સ્નેહનો.
“ તજું જો હું નકામા મ્હારા દેહને,.
“ ભસ્મ એથી કરું હું જો આ સ્નેહને,

  1. ૧ કંઠ એટલે ગળું અથવા કીનારો.
  2. *ચરા.–એ રાગ.