પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૧
“ શોધ કરતી નથી હું વ્હાલા સ્નેહીની,
“ ઝાળ જંપાવતી નથી દિવ્ય દેહીની;
“ મને લેજે, માટે, તું નિજ નીરમાં,
“ વ્હેંચી દેજે શરીર-શબ *મીનમાં.[૧]

કુમુદસુંદરીનું હૃદય આમ નિરંકુશ થઇ દ્રવતું હતું; શરીરના સ્વામીનું સામ્રાજ્ય શરીર ઉપર જ રાખી, તેણે બ્હારવટે મોકલેલું કોમળ હૃદય હૃદયના સ્વામીની પ્રીતિ અને દશાના સંકલ્પોથી આમ ઉન્માદવસ્થા ભોગવતું ઉત્કટ થતું હતું: તે કાળે તેનું શરીર તીરની ઉંચી ભેખડરૂપ આસન ઉપર અને આકાશરૂપ છત્ર નીચે દિવ્ય પ્રતિમા પેઠે સ્તબ્ધ હતું. નદી ઉપર વળેલી નેતર પેઠે – નાજુક વેલી પેઠે – તે ઘણીકવાર સુધી આમ ઉભી રહી. ચંદ્રગોળ નદી ઉપર આકાશમાં લટકી રહે તેમ એનું શોકના શાંત તેજથી તેજસ્વી અને નિશ્ચેષ્ટ મુખ અદ્ધર નીચું વળી નદીમાં પોતાના પ્રતિબિમ્બને જોતું હોય એમ લટકતું હતું. નદી ઉત્તરમાં કાંઇ સામે આલેખ પ્રતિબિમ્બરૂપે લખી રહી હોય એમ કુમુદને લાગતી હતી. નીચે આરસનાં જેવાં પગલાંને અગ્રભાગે રહેલી નખ-કળિયો, અને ઉપર ઉઘાડા રહેલા મુખની ઉજવળ દંતકળિયો, એ બે પોતાની વચ્ચેના શરીરને ઉચકી જનારી પાંખોનાં પિચ્છાગ્ર હોય એમ, સામસામી ઉભી રહી કંઇક સંકેત કરતી દેખાતી હતી.

આ સમયે સર્વનો ઉલ્લાસ પુરો થઇ ગયો હતો; સર્વ કાંઇક શાંત થયાં હતાં; અને હવે વધવાની તૈયારી કરવાની સૂચના ક્યારે થાય છે તેની વાટ જોતાં હતાં. માનચતુર પણ એવી સૂચના કરવાના જ વિચારમાં તીર ઉપર તરવારને ટેકી ઉભો હતો. શંકર એની એક પાસ ઉભો હતો ને કુમુદસુંદરી ઉભી હતી તે જગાની નીચેની ભેખડો ભણી તાકીને જોઇ રહ્યો હતો.

આમ સઉ સ્વસ્થ અને શાંત હતાં તે વચ્ચે એકદમ શંકર કુદ્યો અને શીકારી ગરુડ પર્વતના શિખર ઉપરથી અચિંત્યો પૃથ્વી ઉપર જાય તેમ શંકર નદીમાં ઉડી પડ્યો. “ શું થયું ?” “શું થયું ? ” કરી સર્વ ત્યાં આગળ ગયાં તો નદીના પ્રવાહમાં પુલભણી ત્રણ જણ ખેંચાય ! – આગળ અર્ધી ડુબતી કુમુદસુંદરી, પાછળ તરતો બ્હારવટિયો પ્રતાપ, અને તેની પાછળ લાંબા વામ ભરતે બળવાન શંકર ! બીજાં એક બે માણસ પાછળ પડ્યાં, પણ નદીનો વેગ એટલો હતો


  1. * માછલાંમાં.