પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬

મતી ન હતી. અધુરામાં પૂરું આજ તો ધનકોર શેઠાણી પણ ખોવાયાં – તે પણ શરીરપર દાગીના સાથે ! જ્યારે સરસ્વતીચંદ્ર મૂર્ચ્છાવશ હતો ત્યારે અર્થદાસ આ બધું સંભારી હજાર સુખદુઃખના વિચારમાં લીન થતો હતો. ધનકોર તેને પરણી ત્યારે સાત આઠ વર્ષની હતી; તેને ઘેર આવી ત્યારે અગિયારેક વર્ષની કાચી વયની હતી. ન્હાનપણમાંથી તે વગદી અને વલકુડી હતી. ધણી પણ યોગ્ય જ હતો. ભાઈ દોકડો ખાવા ન આપે ત્યારે બાઈ બે દોકડા સંતાડે. અર્થદાસને તેની ખબર પડે ત્યારે ધમકાવે પણ મનમાં રાજી થાય કે “રાંડ હોંશિયાર ખરી, મને છેતરે એવી ખબડદાર નીકળી. છો રાંડ ચોરતી ને સંતાડતી. લેણદાર બધું જપ્ત કરશે ત્યારે એ માલ ર્‌હેશે.” પણ ધનકોર તો એવી ખબડદાર નીકળી કે ધણીને મરવા વખત આવે ત્હોયે ધનકારપાસેથી ફુટી બદામ કેવી નીકળે જે ? અર્થદાસ ઘણું ઘણું ફોસલાવે – પણ આખરે હારે અને હારતાં હારતાં સંતોષ માને કે “રાંડ માથાની મળી – જેવી જેઈએ તેવી – જોડ – મળી.” કરકસરમાં પણ ધનકોર એવી જ ચતુર હતી. ઘરમાં પણ સઉને એ કાયર કરતી. સાસુને રોવડાવે, નણંદને ઉમ્મર ન દેખાડે, જેઠાણીને ફજેત કરે, દેરાણી પાસે દળણું દળાવે, જેઠ દિયરને જોઈને હડકાઈ કુતરી પેઠે ભસે, ધણીની આગળ પોશ આંસુ પાડી રુવે, અને મનમાં ને ઘરમાં મુકાદમ. ધનકોરનામાં એક ગુણ હતો. તેનામાં કચાલ ન હતી. વગદાપણાને લીધે છેક ન્હાનપણમાં તેની ચાલ બગડે એવો વખત આવ્યો હતો, પણ એ વગદાપણાને વધવાને રસ્તે અર્થદાસે ઘરમાં જ એટલો બધો સવડ ભરેલો ને મોકળો કરી આપ્યો હતો કે હળવે હળવે આખો દિવસ ઘરમાં જ ગુંથાઈ રહેવાની તેને ટેવ પડી હતી અને એમ કરતાં કરતાં વિષયવાસના ધનના લોભ આગળ નિર્મળ જેવી થઈ ગઈ હતી. આથી ધનકોર બીજી રીતે કર્કશા જેવી હોવા છતાં ઘરમાં તેને મોભો રહ્યો હતો અને સઉ કોઈ તે કહે તે વેઠતાં. કારણ ખરેખરી બાબતમાં ધનકોરવહુ કોઈને નમ્યું આપે એમ ન હતું. “મોઇ રાંડ, કોણ જાણે કયાંએ હશે ને શરીર પર દાગીના છે !” “મનહરપુરી પાસે છે એટલે હરકત નથી; ” “બાઈડીની જાત – કાયા ને માયા બેનો ભો;” “રાંડ, આજ ઠીક પાંશરી થશે;” “કયાં આ બ્હારવટિયાઓમાં રોતી રખડતી હશે ?” “ બધાને પૂરી પડે એવી છે;” “કાચી માયા છે ?” “મોઈ રાંડ” “એનું શું થશે? હેં – મને એના જેવી બીજી નહી મળે !” “છો રાંડ અથડાતી – ગાંઠ કરીને બેઠી છે તે