પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

મને ઝેર ખાવાને યે કામમાં નથી લાગતી;” “હશે, એના તે એના પણ એ દાગીના એટલા રહ્યા છે તે યે જશે!” “ગમે તેવી ત્હોયે બાઈ માણસ તે બાળક જ કેની ?” “એ મ્હારા બાપરે !” – એમ કરી કરી અર્થદાસ રોતો રોતો ચારે પાસે જોતો જોતો ઉઠયો અને બે હાથને છેટે સરસ્વતીચંદ્રને પડેલો દીઠો. એની કાંતિ તથા દશા જોઈ દયા આવી અને ઉઠાડવા તથા સ્વસ્થ કરવા ધાર્યું. વળી વિચાર થયો – “મુવો હશે કે જીવતો હશે ! ઘેર જ ન જાઉં? બીજા લુટારા આવશે ! હું ક્યાં બલા વ્હોરું ?” ધનકોરની વ્હાર કરતાં સરસ્વતીચંદ્રની આ દશા થઈ હતી તે સાંભરી અને ઉપકારને દૃષ્ટાંતે સ્વાર્થવૃત્તિને જીતી. વાણિયા બ્રાહ્મણપાસે ગયો અને તેના અંત:કરણમાં શુદ્ધ દયા વસી.

સરસ્વતીચંદ્રને લોહી ઘણું નીકળ્યું હતું, પણ કંઈક કારણથી બંધ થયેલું જણાયું. થોડેક છેટે તળાવ હતું ત્યાંથી અર્થદાસ પાણી લેઈ આવ્યો એને સુતેલાના મ્હોંપર છાંટી તેને જગાડ્યો. સરસ્વતીચંદ્ર જાગ્યો, ચારેપાસ નવીન સ્થળ જોવા લાગ્યો; ચકિત થયો; તાવ, ઘાની નબળાઈ, થાક, ભુખ, અને સ્થળ તથા સમયની ઉપજાવેલી વૃત્તિઓથી દીન દેખાવા લાગ્યો. પિતાના વચનથી ઓછું આવ્યું હતું; કુમુદસુન્દરીની નિન્દા સહી શકાઈ ન હતી; ચંદ્રકાન્ત પાસે રોવું આવ્યું હતું; અઢળક દ્રવ્ય અને વૈભવ એક ઘડીમાં છોડી દેતાં કંપારીસરખી ખાધી ન હતી; કુમુદસુન્દરીના રણકારથી કમ્પી ર્‌હેતો પ્રેમસતાર તોડી નાંખતાં પોતાનું આખું હૃદયતંત્ર ચીરાયું – ચુર થયું અને તે છતાં વૈરાગ્યનાં શિખરભણી દોડતા વિચારે તે જોયું પણ નહીં હતું, ઈશ્વરપરેની આસ્થાએ 'કુમુદસુન્દરીનું શું થશે' એ વિચાર કર્તવ્ય સરખો પણ ગણ્યો ન હતો અને બાલ્યાવસ્થામાં જન્મ પામેલો વૈરાગ્ય આર્ય વિદ્યાથી દૃઢ થઈ અને પાશ્ચાત્ય વિદ્યાથી વિધિવિહીન બની સ્વતંત્રમાની થયો હતો. આ વૈરાગ્યને તેની ગર્ભશ્રીમંતાઈયે એવો તો ઉત્કટ બનાવ્યો હતો કે એના અનુભવવિનાના જગતને તે ઉદ્ધત લાગ્યા વિના ર્‌હેતો નહી. મ્હોટા દ્રવ્યવાન શેઠિયાઓ અને મ્હોટા તેમજ વિસ્તારી પક્ષવાળા ગૃહસ્થો, તેને મન, મ્હોટા મ્હેલોની ચોકી કરનાર અથવા તો મ્હોટા ઇંગ્રેજો પાસે વાતચીત કરવાનો હક ધરાવનાર સીપાઈઓ જેવા વસતા. ગણિકાઓ પાસે દ્રવ્ય અને પક્ષ ઉભય જોઇ, તે પોતાના દ્રવ્યથી કે પક્ષથી પોતાને તસુ પણ મ્હોટો થયો માની શકતો ન હતો. મ્હોટા મ્હોટા ઈંગ્રેજ અમલદારો – ગવ્હર્નરો અને રાજકુમારો સહિત – "કાળબળનાં બનાવ્યાં 'પુતળાં' છે એવું તે લખતો. વર્તમાનપત્રો અને