પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮

ગ્રન્થકારોને તે “સુધારાના ભાટચારણો” ની ઉપમા આપતો અને તેમનું ઉપયોગીપણું છે તેવું જ સ્વીકારતો, પરંતુ કેાઇ પણ સામાન્ય માણસ અથવા મિત્ર અથવા વાત કરનારના મતને જેટલું માન ઘટે તેથી જરી પણ વધારે માન આપવાની સ્પષ્ટ ના કહેતો. જગતની દૃષ્ટિએ સાહસ લાગનાર પોતાના કૃત્યનો ન્યાય જુનો તથા સુધરેલો સર્વ વર્ગ કેવો કરશે તે તેણે સ્પષ્ટ જોયું હતું – ચંદ્રકાંતે સમજાવ્યું હતું – તે છતાં તેણે પોતાનો વિચાર જ કાયમ રાખ્યો હતો તે આપણે જાણિયે છિયે અને એ પણ જાણતો હતો. પરંતુ કાળ-કુંભારની ઘડેલી સમ વિષમ અવસ્થાઓ ભિન્ન ભિન્ન માનવીમાં ભિન્ન ભિન્ન ન્યૂનતા ઉત્પન્ન કરે છે અને તે ન્યૂનતાના પ્રમાણમાં ન્યૂનદષ્ટિ બાહ્ય સંસારના ભિન્ન ભિન્ન પરિમાણનું ભાન ધરે છે – આવું સરસ્વતીચંદ્રનું ધારવું હતું. આ જગતમાં કોઈ પણ ઠેકાણે – કોઈ પણ અવસ્થામાં “હું અવસ્થિત છું” એ ભાન ન હોય ત્યાં પોતાની ન્યૂનતાનું અથવા પારકાના પરિમાણનું ભાન થવા વારો ર્‌હેતો નથી અને મ્હારે પણ એવું છે: જે એકથી મ્હોટો તે બીજાથી ન્હાનો, જેનો કોઈ પણ રીતે અવચ્છેદ તેમાં ન્યૂનતા; મૂળથી તે અંત સુધી જેનું મન પોતાની મેળેજ ભરેલું હોય તે ગર્ભશ્રીમાન્ : આ વિચાર સરસ્વતીચંદ્રે ન્હાનપણમાં કલ્પ્યા હતા અને વય તથા વિદ્યા વધતાં વધાર્યા હતા. “જ્યાં ન્યૂનતાનું ભાન હોય ત્યાં ગર્ભશ્રીમત્તા સંભવે જ નહી” એ - વિચાર તેની વિદ્યાએ – તેના કવિત્વ – તેના કુલસંસ્કારે – અને તેની સ્થિતિએ વણી ક્‌હાડ્યો હતો. “જગતના પદાર્થને, પ્રાણીઓને, અને બનાવોને મ્હોટા ન્હાના ગણવા એ જ ન્યૂનતા, અને ભાન તથા આનંદનો પોતાના જ નેત્રમાં સમાવેશ કરવો તેનું નામ ગર્ભશ્રીમત્તા” – આ વ્યાખ્યાએ સરસ્વતીચંદ્રની આંખ આંજી હતી અને તે જ અંજનને બળે આ કાળીચઉદશ જેવી વિપત્તિમાં તે જાતે ઘસડાઈ આવ્યો હતો. આપણી શાળાઓ અને પાઠશાળાઓ આમ કેવાં કેવાં અને કેટલાં કેટલાં અંજન આંજે છે તેની કલ્પના કરાવનાર અવતાર પ્રકટ થવાને હજી વાર છે અને તેટલા કાળમાં પડદા બહારના લોકને પડદામાં આવજાવ કરનારની ઝાંખી છાયાથી ચમત્કાર લાગે તે તે કાંઈ નવાઈ નથી. આજની રાત્રિરૂપ સૂત્રધારે આવતી કાલના પડદા પાછળ કેવા વેશ ભજવનાર ગોઠવી રાખ્યા છે તેની કલ્પના પણ રાત્રે ઉંઘતું જગત શી રીતે કરે ? એ વેશધરોના વર્ણનને તેઓ કાલ્પનિક ગણે નહી તો જ નવાઈ. પડદો ઉપડે અને રંગભૂમિ ઉપર નવો ખેલ જામે ત્યાંસુધી તે જોનારની કલ્પનામાં સર્વ કાલ્પનિકજ! જે જે દેશમાં આ પડદાઓ ઉપડ્યા છે ત્યાં