પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯

ત્યાં વિચિત્ર વેશ દેખાયા છે અને આ દેશમાં પણ તેમ જ દેખાશે ! સંસ્કૃત અને ઇંગ્રેજી વિદ્યાના વિજાતીય લગ્નથી આ વિચિત્ર અનુભવવાળા દેશમાં કેવું બાળક જન્મશે અને કેવું થશે તે તો ઈશ્વર જાણે પણ સરસ્વતીચંદ્ર આત્મપરીક્ષા કરતાં પોતાને એક આવું જ બાળક કલ્પતો. એની વિચિત્ર ગર્ભશ્રીમત્તાને બળે એણે વિચિત્ર કામ કર્યું. પ્રથમ જેને એ વૈરાગ્ય ક્‌હેતો તેને પાછળથી “ગર્ભશ્રીમત્તા” ક્‌હેવા લાગ્યો હતો. વૈરાગ્ય છતાં રસમાં પલોટાવું, રસમાં પલોટાઈ ત્યાગી થવું, ત્યાગી થઈ પોતાના વૈરાગ્યબળની પરીક્ષા કરવા – “ચંદ્રવિરહી કાળ રાત્રિરૂપ તજી સૂર્યના કિરણયોગે દિનરૂપ ધરશે ” અર્થાત કુમુદ નવી અવસ્થાને અનુકૂળ બની ભૂતકાળ વીસરી સુખી થશે એ પોતાની કલ્પના ખરી પડી જોવા અને સુસ્થ થવા સુવર્ણપુર આવવું:– એ સર્વ છતાં પોતાની ગર્ભશ્રીમત્તા ર્‌હે છે કે નષ્ટ થાય છે તેનો એ અનુભવ કરતો હતો. સુવર્ણપુરમાં આવી કુમુદસુન્દરીની દૃષ્ટિએ પડી તેના દુ:ખનું સાધન થવું એ તેનો હેતુ ન હતો – એ તો અકસ્માત થયું. “મ્હેં આટલાં માણસને દુ:ખી કર્યા, - મદન આટલો દુર્જેય છે,” ઈત્યાદિ અનુભવથી તેના મનમાં એટલું વસ્યું કે “હું મૂર્ખ છું – મ્હારી ગર્ભશ્રીમત્તામાં ન્યૂનતા છે – માનવ નિર્બળ છે.” ઘર છોડતી વખત ઘણાક વિકારોનો અનુભવ થવા છતાં, રાગદ્વેષ હોવા છતાં, ક્રોધ ચ્હડવા છતાં, સરસ્વતીચંદ્રનો અંત:સંન્યાસ જ તેના બાહ્ય સંન્યાસનું મૂળ હતું અને તેથી જ અત્યાર સુધી શોક છતાં દીનતા તેણે અનુભવી ન હતી. મૂર્છા જતાં તે દીનતા અત્યારે તેણે અનુભવી અને ઉપર આકાશ ને નીચે ધરતી બેની વચ્ચે જડ ઝાડો વિના કોઈનો સાથ ન દેખાતાં, કુમુદસુંદરી સાંભરી આવતાં, જન્મમાં પ્રથમ વિયોગ એને દેખાયો - વિપત્તિનું પ્રથમ દર્શન થયું. શરીરયંત્રનાં સર્વ ચક્ર આર્તનાદ કરવા લાગ્યાં અને “મનની ગર્ભશ્રીમત્તા” ધૂમાડા જેવી લાગવા માંડી.

“એ તો જ્ઞાન મને ગમતું નથી, ઋષિરાયજી રે
“લાવો, બાળક માગે અન્ન, લાગું પાયજી રે ”

સુદામાની સ્ત્રીનું આ બોલવું ખરેખરું સમજાયું અને પોતાના ઘા ભણી દૃષ્ટિ ફેરવતો, ક્ષુધાર્ત, તાવવાળો, નબળો, થાકેલો, દુ:ખી પુરુષ દીન વદનથી અર્થદાસના સામું જોઈ રહ્યો અને

“ હાથનાં કર્યો તે વાગ્યાં હૈયે”

એ શબ્દ વાણિયો ક્‌હેતો હોય એવો ખાલી પડી ગયેલા મસ્તિકને આભાસ