પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૧

“ચાંદાભાઈ, જુવો તો ખરા આ ઠાકોરજીની માયા ! તમારો ઘા રુઝી ગયો। સમજવો – લ્યો આ.”

રુઝતા ઘાની કલ્પનાથી જ બળવાન્ થઈ ગયેલા મનવાળો બની પોતાનું ત્રીજો અપભ્રંશ પામેલું નામ સાંભળી ચમકી સરસ્વતીચંદ્ર ટટ્ટાર થયોઃ “એ શું છે, ભાઈ? ”

વાણિયો બોલ્યો; “ આનું નામ ઘાબાજરિયું; તમે આ ઘાસમાં પડ્યા હતા તે ઘાસ ભેગું ઉગેલું તમારા લોહીથી ઘામાં એ વળગી ગયું અને લોહી બંધ થઈ ગયું.”

“તે એમાં કાંઈ ગુણ છે ?”

“ હા, એથી ઘા રુઝે છે. આ તમારો ઘા રુઝયો હવે તમારે ! સમજવો; તમેજ જુવો ને – હવે કાંઇ દરદ છે ?”

“ના, છે તો નહીઃ ” સરસ્વતીચંદ્ર પળવાર નીચું જોઈ રહ્યો, વિચારમાં પડ્યો, અને ગળગળો થઈ, છાતી પર હાથ મુકી ભીંની અાંખવડે આકાશભણી જોઈ મનમાં બોલ્યો.

“પ્રભુ, આમ જ આપદ તું હરતો !–
“અમ મૂર્ખપણું ઉર ના ધરતો,
“વનમાં વણ-ભાન પડી હું રહ્યો-
“તૃણદ્વાર વીશે, પ્રભુ, ત્યાં તું ઉભો !!”

આ સ્તવન જાતે જ થઈ ગયું અને નવા ઉત્કંપમાં, અચિંત્યા રોમાંચમાં, દુ:ખી અાંખમાં, દીન હૃદયમાં, અને ઉશ્કેરાયેલાં મસ્તિકમાં, ઈશ્વર પ્રત્યક્ષ થતો લાગ્યો.

પ્રથમ ઈશ્વરદર્શન કરાવનાર વિપત્તિનો અર્થ એના મનમાં આજ સાકાર થયો, કારણ પુસ્તકોમાં, સમાજોમાં, અને મન્દિરોમાં, પ્રાર્થનાઓ તેને કેવળ શુષ્ક અને નિરર્થક લાગી હતી. આર્દ્ર હૃદય અને લોચનથી તે વાણિયાના સામું ઉપકૃત દૃષ્ટિથી જોઈ રહ્યો, તૃણનું ભાન કરાવનાર તે વાણિયો હતો એ સાંભર્યું, અને આ ઈશ્વરોપદેશ કરનાર મ્‍હારો ગુરુ, આ વાણિયો છે એ નિશ્ચય સર્વાંગે આ દત્તાત્રેય જેવાને ચિત્તવશ થયો. વાણિયા ભણી જોઈ તે બોલ્યો: “ભાઈ, તમારું નામ શું ?” तालीमपी न दद्या‌त् એ સંપ્રદાયના વણિકને આ પ્રશ્ન વસમો પડ્યો. “પેલો સંન્યાસી આનું નામ જાણતો હતો – મ્‍હારો વ્‍હાલો આયે બ્‍હારવટિયો હશે ત્યારે ? નામ બામ આપે એવો કાંઈ