પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩

ચાલતાં અર્થદાસે ખેલ માંડયો. અચિંત્યો રસ્તાવચ્ચે બેઠો અને રોવા લાગ્યો:

”ઓ મ્‍હારી મા રે! ત્‍હારું શું થશે? ઓ ”–

સરસ્વતીચંદ્ર અચકી આભો બની આસનાવાસના કરતો બોલ્યો; "શું છે ? - તમારી માને શું થયું ?"

“અરે મ્‍હારી બાયડીને પેલા લઈ ગયા – બીચારી રવડી મરશે – ઓ મ્‍હારી મા રે – બાયડી રે !”

“ધીરજ ધરો, ભાઈ, ગામમાં ચાલો અને રસ્તો કરીશું.”

“પણ એની પાસે દાગીના છે તે ! –એ તો મ્‍હારું સર્વસ્વ ! હવે હું ખાઈશ શું ? મ્‍હારા ઘરમાં તો ઝેર ખાવા જેટલી ફુટી બદામ નથી ! ઘરવાળાને ભાડું કયાંથી આપીશ ! મ્‍હારાં તો હાંલ્લા ને લાકડાં બે વેચાશે ! – ને હું મોદીને શું આપીશ ને બાયડી ખોળવા સરકારમાં શું આપીશ ? – ઓ ચાંદાભાઈ, હું તો અંહિયાં જ મરીશ.”

ઘણું સમજાવ્યો પણ અર્થદાસ ઉઠ્યો નહી. આખરે. અાંખો ફાડી રોઈ બોલ્યો, “હું તો હવે ફાંસો ખાઈ મરવાનો. દૈવે મને બ્રાહ્મણ પણ ન ઘડ્યો કે લોટ માગી પેટ ભરું. મ્‍હારા તે પેટમાં ગુંચળાં વળે છે – ઉઠાતું એ નથી ને બોલાતું એ નથી ઓ ચાંદાભાઈ! – અબબબબ !” – જીભ અટકી હોય એમ અર્થદાસ લાંબો થઈ સુઈ ગયો, અાંખો ચગાવવા લાગ્યો, ને મ્‍હોમાંથી ફીણના પરપોટા ક્‌હાડવા લાગ્યો.

સરસ્વતીચંદ્રને અત્યંત દયા આવી ને વિચારવશ થઈ ગળગળો થઈ ગયો. “ઓ ઈશ્વર, હું બીચારાને દુઃખથી છોડવવા શું કરું ? આનાં દુઃખમાં મ્‍હારી ભુખ તો મરી ગઈ, આને સ્ત્રીનું દુ:ખ નથી પણ પઈસાનું દુ:ખ છે એનું દુ:ખ ભાંગવા જેટલો પઈસો તો મ્‍હારી પાસે હતો, તે મ્‍હેં છોડ્યો. દ્રવ્યનો આવા પ્રસંગે ઉપયોગ હશે તેનું મને ભાન ન રહ્યું. આને ઈશ્વરે વિદ્યા આપી નથી – ગર્ભશ્રીમંત પણ નથી નથી! મ્‍હારી ગર્ભશ્રીમત્તાપર ધુળ વળી ! આનું ઔષધ દ્રવ્ય તે હું ક્યાંથી આપું? દ્રવ્ય છોડ્યું ન હત તો આ પ્રસંગ ન આવત !” વળી અર્થદાસના સામું જોઈને શાંત પડી વિચાર્યું, “ દ્રવ્ય છોડ્યું ન હત તો અર્થદાસના દુઃખ જેવાં દુ:ખ લોકને થતાં હશે એ હું કેમ જાણત ?”

શાન્તિએ સ્મરણને સ્ફુરવા દીધું અને પોતાને જનોઈએ બાંધેલી મણિમુદ્રા સાંભરી આવી. સાંભરી આવતાં મુખપર આનંદ અને