પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪

ઉત્સાહ દીપવા લાગ્યા; “હા ! આના ઉદ્ધારનો માર્ગ સુઝ્યો.” મણિમુદ્રા છોડી હાથમાં લઈ તેપર જોઈ રહ્યોઃ “મણિમુદ્રા ! કુમુદસુંદરીની લલિત આંગળિયે વસવા – તેના ચિત્તને આનંદ આપવા મ્‍હેં તને આટલા મોહથી ઘડાવી હતી ! તે સર્વ હવે વ્યર્થ થયું. આ દીન વણિકને આનંદનું સાધન તું હવે થા ! આ ક્ષિતિજરેખા ઉપર સૂર્યમંડળ શોભે છે તેમ તું કુમુદની આંગળી પર દીપત ! સૂર્ય હવણાં ક્ષિતિજથી ભ્રષ્ટ થશે ! – હું અને તું કુમુદથી ભ્રષ્ટ થયાં ! તું હજી ગરીબનું ઘર ઉઘાડશે ! – એ ત્‍હારું ભાગ્ય ! - પણ ક્યાં કુમુદ અને ક્યાં આ વણિક? – પણ હું તો ત્‍હારા યોગ્ય નથી જ ! દુષ્ટને છોડી, ગરીબનું ઘર ઉઘાડ! મણિમુદ્રા ! લક્ષ્મીના છેલ્લા અવશેષ ! પ્રિય કુમુદની સ્મારક એકલી એક મ્‍હારી જોડે રહેલી છેલ્લી બ્‍હેન ! મ્‍હારા પિતાના વિભવના છેલ્લા પ્રસાદ ! પ્રિય કુમુદના આજ ચીરાઈ જતાં અંત:કરણમાં રસળતો મ્‍હારો દુષ્ટ હાથ ત્‍હારે યોગ્ય નથી ! મ્‍હારું જનોઇ ભ્રષ્ટ છે – મ્‍હારું શરીર દુરાત્માનું ઘર છે! મણિમુદ્રા ! લક્ષ્મીના છેલ્લા અવશેષ ! પ્રિયતમ પિતાના વિભવના છેલ્લા પ્રસાદ ! પ્રિયતમ કુમુદની પ્રિયતમ બ્હેન ! મ્‍હારા સ્નેહની સ્મશાનવિભૂતિ ! મ્‍હારા આંસુથી કલંકિત કર્યા શીવાય તને તજું છું ! જા ! ગરીબનું ઘર દીપાવ !” સરસ્વતીચંદ્ર અર્થદાસની પાસે બેઠો – તેની આંગળિયે મુદ્રા પહેરાવી; – અને ભુખથી, દુઃખથી, દયાથી, વિરહથી, નબળો પડેલો વિકલ અને ગ‌દ્‍ગદ બનતો તરુણ ઢળી પડ્યો.

સરસ્વતીચંદ્રને બ્હારવટિયો કલ્પતો, ઘડીકમાં તેને રત્નનગરીની પોલીસને વશ કરવા યુક્તિ શોધતો, ઘડીકમાં તેની પાસેથી છુટો થવા ઈચ્છતો અને આખરે છેલી ઈચ્છાને વશ થતા અર્થદાસ નિર્ધનતા અને દુ:ખનો ઢોંગ લેઈ પડ્યો હતો તે એવું ધારી કે એને નિર્માલ્ય ગણી બ્‍હારવટિયો પોતાની મેળે પોતાને રસ્તે પડે, તેમ કરતાં આ તો નવું નાટક નીકળ્યું. ચગાવેલી દેખાતી અાંખો વડે તે મુદ્રા જોઈ, મુદ્રામણિની પરીક્ષા કરી, નજર આગળનો દેખાવ સમજ્યો નહી, અને મુદ્રા અાંગળીમાં બેઠી અને સરસ્વતીચંદ્ર ઢળી પડ્યો કે એકદમ વીજળીની ત્વરાથી ઉભો થઈ ચોર ચિત્તવાળો પોતાને સમયસૂચક ગણતો, પાછું જોયા વગર અને વિચાર કરવા ઉભા રહ્યા વગર, મુઠી વાળી નાઠો.