પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫
પ્રકરણ ૪.
ગુણસુંદરી.

જે દિવસે બ્હારવટિયાઓયે મનહરપુરીની પાડોશમાંનાં ત્રિભેટામાં આટલી ધામધુમ મચાવી મુકી તે દિવસે એ ગામડામાં પણ કેટલીક ધામધુમ મચી રહી, થોડીક સરખી વસ્તીમાં ઉમેરો થયો અને તેને લીધે ગામના લોકને એક નવો ધંધો જાગ્યો.

બ્હારવટિયાઓયે ત્રિભેટામાં સંકેતસ્થાન રાખ્યું હતું તેનાં કેટલાંક કારણ હતાં. ત્રણ રાજ્યની સીમ આગળ એ લોકોને પકડવા, એ કામ કઠણ પડતું હતું, કારણ આ રાજ્યનાં માણસ પકડવા આવે તો આ રાજ્યની સીમમાં જવાતું. એ ઠેકાણે ઘણાક રસ્તાઓનો સંગમ હતો એટલે એ લોકને પોતાને પણ વેરાઈ જઈ એકઠા થવામાં ઘણી સવડ પડતી હતી. મનહરપુરીના ગામડામાં વસ્તી પણ આછી અને નિર્દોષ હતી અને બ્હારવટિયાઓ તેને કનડતા ન હતા. પાસે સમુદ્ર, પર્વત, આંબાવાડિયું, તાડનાં વન, ઉંચા ઘાસનાં બીડ, નદી, વગેરે હોવાથી નાસવામાં, એકઠાં થવામાં, સંતાઈ જવામાં, ભરાઈ ર્‌હેવામાં, હુમલા કરવામાં, અને બચી જવામાં બહુ સવડ પડતી હતી.

જે સાયંકાળે લુટાયલા સરસ્વતીચંદ્રે લુટાતાં આખર બાકી રહેલી મણિમુદ્રા અર્થદાસને પ્હેરાવી દીધી અને અર્થદાસ પોતાના મનમાં ચોરી કરી નાસી ગયો, તે જ સાયંકાળે બ્હારવટિયાઓયે ચંદ્રકાંતને લુટ્યો હતો તે આપણને ખબર છે, રત્નનગરીથી સુવર્ણપુર આવવા ચંદ્રકાંત નીકળ્યો ત્યાર પછી તેને રસ્તામાં અચિંત્યો વિદ્યાચતુરભણીથી સંદેશો મળ્યો કે સુવર્ણપુરના કેટલાક બ્‍હારવટિયા સર્વ રસ્તાઓ રોકી તોફાન કરે છે માટે હું તમારી જોડે બીજા સ્વાર મોકલું ત્યાંસુધી આગળ ન જશો. ગુણસુંદરીને ભદ્રેશ્વર જવું હતું અને તે રસ્તે બ્‍હીક ન હતી માટે એ પણ ત્યાં જવા પોતાના કુટુંબને સાથે લેઈ નીકળી હતી અને કુમુદસુંદરીની વાટ જોવાના વિચારથી મનહરપુરીમાં પોતાના બાકીના કુટુંબ સાથે રોકાવાની ધારણાથી આજ જ બપ્પોરે આવી પ્‍હોંચી હતી.

રત્નનગરીના સ્વાર આવી પ્‍હોંચતાં ચંદ્રકાંતને બીજા સમાચાર મળ્યા કે બ્‍હારવટિયાલોક ઘણા પાસે ભમે છે તે છતાં સરસ્વતીચંદ્રને મળવાની આતુરતાથી ભયને ન ગણી તે નીકળ્યો, લુટાયો, અને સારે ભાગ્યે સ્વારોની મદદથી બચવા પામ્યો. સ્વારોની શીખામણથી એને