પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮

તેમના ઉપર કર ઘણો જુજ હતો તેથી પ્રધાનનો તેઓ ઉપકાર માનતા અને આસપાસનાં ઈંગ્રેજી ગામે કરતાં પોતાના ગામને ભાગ્યશાળી ગણતા. તેમનો કર ઓછો કરવાથી સંસ્થાનને લાભ એ થયો કે દુકાળ અને એવા હરકતના પ્રસંગમાં મનહરપુરની વસ્તી સંસ્થાનના આશ્રયવગર સુખી રહેતી. એ જોઈ વિદ્યાચતુર અતિસંતોષ પામતો ગામ અને ગામની સીમનો લોકોપયોગી ખરચ લોકો ખુશીથી કરતા અને રાજ્યને માથે ભાર અને ગાળ ર્‌હેતાં નહીં. આર્યદેશમાં કુવા, ધર્મશાળાઓ, ચોતરો, તળાવો, અને એવી હજારો વસ્તુઓ પ્રજાએ ધર્મનિમિત્તે કરી છે અને એ ધર્મવાસનાને ઉત્તેજન આપવામાં ચતુર પ્રધાન પોતાના પ્રધાનપણાની એક સાર્થકતા માનતો હતો. મનહરપુરીની પ્રજા પોતાના પ્રધાન ઉપર આથી પ્રેમ રાખે તે કાંઈ નવાઈ ન હતી. તેના બદલામાં તેને પિતાને કાંઈ ખપે એમ નહતું; બદલામાં એ એટલું માગી લેતો હતો કે રાજ્યને જરુર પડે અને કર વધારવા પડે ત્યારે કોઈએ મન ચોરવું નહી અને આપ્યા વગર તો છુટકો નથી તો તે ખુશીથી આપવું. તેમનો નિ:શ્વાસ રાજ્ય જપ્ત થાય તે કરતાં વધારે ભયંકર છે અને તેમનો આશીર્વાદ એ પોલીટિકલ એજંટની કૃપાના કરતાં અને સરકારના કીતાબે કરતાં વધારે કલ્યાણકારક છે એવું વિદ્યાચતુર માનતો અને મણિરાજના મનમાં વસાવતો. રાજ્યના ભંડારમાં ખરચ કરતાં ઘણું વધારે પડી ર્‌હે એ પ્રજાના ભંડારમાંથી ઓછું થયા જેવું છે. એવા સંચયનો દુરુપયોગ કરવાને રાજા લોભાય છે અને અધિકારિયો ચોર બને છે. રાજા લોભાય છે તો આ દ્રવ્ય તેની વિષયવાસના પૂરી પાડવા, તેની મૂર્ખતા સંતોષવા, તેના છેકરાવાદીપણાને જાળવવા અથવા તો તેની કીર્તિનું પોલાણ વધારવા સ્ત્રિયોમાં, ઢોંગસોંગમાં, રમતગમતમાં, કારીગરોમાં, પરદેશમાં અને પરદેશિયોમાં ઢોળાય છે. એ દ્રવ્યથી દેશના રાજાનું મન ચમકે છે અને પરદેશના રાજાનો ડોળો ચસકે છે. પ્રજાના ભંડારમાં રહ્યું હોય તે પ્રસંગ પડ્યે થોડા દિવસ કર વધારી ક્યાં લેવાતું નથી ? અર્થ સર્યે એ કર ઓછો થાય તો પ્રજા કેમ વિશ્વાસ નહીં રાખે ? આપણા ભંડાર કરતાં પ્રજાના ભંડારને ઓછો ભય છે માટે એ ભંડારને જ આપણી “બેંક” કરી રાખવી. આવા આવા પાઠ વિદ્યાચતુર મણિરાજને ભણાવતો અને ઉદાર અને જિતેન્દ્રિય રાજા સ્વતંત્ર અને શાણા પ્રધાનનું કહ્યું યથાર્થ સમજતો. એના રાજ્યમાં ઘણાંક ગામ બીજા અધિકારિયોની દેખરેખ નીચે મનહરપુરી જેવાં બન્યાં હતાં અને મનહરપુરી પ્રધાનની પોતાની દેખરેખ નીચે