પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧

તોપણ તેમાં સ્ત્રીસ્વરની કોમળતા શુદ્ધ સ્પષ્ટ હતી અને ગાનસમયે કુમુદનાં જેવોજ સ્વર ક્‌હાડી શકતી. ઉંચાઈમાં પણ તે એના જેટલી જ હતી. તેનું મ્હોં હમેશ હસતું ર્‌હેતું અને ઘણાંક માણસ પ્રાતઃકાળે એનું મ્હોં પ્રથમ જોતાં અને આજનો દિવસ ખરા આનંદમાં જશે એવી શ્રદ્ધા રાખતાં. તેનો સ્વભાવ પોતાના પતિના જેવો કાર્યગ્રાહી હતો તેથી તેનું મન ઘણું સુખી રહેતું, “કામ સાથે કામ” એવું જ તે સમજતી. કુમુદસુંદરીમાં જે સહનશીલતા અને સુશીલતા હતી તે પણ ગુણસુંદરીની જ હતી. તેનો ઉત્સાહ ન્હાના બાળકના જેવો સપક્ષ હતો અને ન્હાની કુસુમસુંદરીમાં તેનો આ ગુણ ઉતર્યો હતો. પિયર તથા સાસરાની ડોસિયોના પ્રસંગથી તેનું હૃદય કુટુંબવત્સલ અને ક્ષમાધર[૧] થયું હતું, પરંતુ પતિના સહવાસથી આખા પરિચિતમંડળને આ ગુણનો અનુભવ કરાવતી. આખી મનહરપુરી એમ કલ્પતી કે ગુણસુંદરીની અમારા પર અમીદૃષ્ટિ છે. તો પણ કોઈ તેની આર્દ્રતાનો દુરુપયોગ કરી શકતું નહી, કારણ એને ખેદ થતો તે સામું માણસ ખમી શકતું નહી. આ શિક્ષાપ્રભાવ તેના પુરુષગુણી પતિમાં ન હતો, કારણ પ્રજાની ન્યાયતુલા હાથમાં રાખનારને પ્રત્યક્ષ શિક્ષાનો દંડ રાખવો પડતો હતો.

ગુણસુન્દરીનું પિયર આ જ ગામમાં હતું, વિદ્યાચતુર તેનાથી માત્ર પાંચ સાત વર્ષે મ્હોટો હતો અને મોસાળમાં ઉછર્યો હતો. એનું મોસાળ અને ગુણસુન્દરીનું પિયર ઉભય પડોશમાં સાખે સાખ હતાં. ગુણુસુન્દરીની મા પોતાની દીકરીના જન્મ પહેલાં બાળક વિદ્યાચતુર ઉપર બહુ હેત રાખતી, તેને રમાડતી, તેનું માથું હોળતી, ખાવાનું આપતી, અને લડાવતી. પોતાને પેટ દીકરી થતાં જોષીને પણ પુછવાની વાટ ન જોતાં વિવાહ કરી દીધો. ન્હાનો જમાઈ મસ્તીખોર, લડાક, અને બોલકણો હતો અને સાસુ વરકન્યાને સાથે બેસાડી જોઈ ર્‌હેતી અને લજજા ન સમજનાર બાળકોને મુગ્ધવચન બોલાવી વિનોદ પામતી. એમ કરતાં કરતાં વિદ્યાચતુર જરી મ્હોટો થતાં તેનાં સંતાનહીન મામાએ તેને રત્નનગરીમાં વિદ્યાભ્યાસ સારુ બોલાવી લીધો, મુંબાઈ જઈ ત્યાંની પાઠશાળામાં ઠેઠ સુધી અભ્યાસ કરી ત્રેવીશેક વર્ષની વયે એ પાછો રત્નનગરી આવ્યો તે પ્રસંગે ગુણસુન્દરીને સોળસત્તર વર્ષ થયાં હતાં, અને સાસરે ત્રણેક વર્ષ થયાં જતી આવતી થઈ હતી. પતિને વિદ્યાસારુ પરદેશ ર્‌હેવું થયું તે પ્રસંગમાં તેની સાથે પત્રવ્યવહાર રાખતી. અને પત્રોમાં દુહા, સાખિયો, ગરબિયો, વગેરે લખતી અને અતિ આનંદ


  1. ૧. ક્ષમા ધરનારું.