પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩

ઉત્પન્ન કરતી અને તે શંકાઓ ઉપરથી કોઈ કોઈ પ્રસંગે સિદ્ધાન્ત ફેરવવા પડતાં પત્નીની બુદ્ધિનું ઉચ્ચપણું મપાતું; અને આ સર્વ માનસિક સ્નેહભેાગને અંતે માનસિક વિહારની શિખરક્રીડા થતી હોય તેમ શય્યાખંડનાં દ્વાર બંધ કરી પાછળના એકાંત ઉદ્યાનમાં પડતી મ્હોટી બારી ભણી તરુણ તરુણીને ખેંચી જતો જતો હાલની ઊર્મિ ઉછળતાં અધરે અધરદાન કરતો કરતો ધીમે રહી ગાતો.–

“નિદ્રાતણા કર સુકોમળ તુજ જેવા,
“તેનાજ સ્પર્શથકી મોહિત વિશ્વ સુંતું;
“આ શાંતિઉપર ક્ષપાપતિ[૧] સ્મિતભોગી–”
“જો ફેરવે મૃદુ અનેક કરો ધીમેથી ! ૧
“જો! જો! પ્રિયે! ધીમી ધીમી વિકસાવ આંખ્યો!
“તેજસ્વી ચન્દ્ર નભકણ્ઠશું બાઝી ચાલે !
“ર્‌હે ઉભી, પ્રિય! ધર કાન ચકોર ત્હારા–
“શી વાત ચંદ્રશ્રવણે કરતી સુતારા ?” ૨

ઘણા દિવસ લાગટ આ રમણીય પ્રસંગ અનુભવતી અને ઘણા દિવસ આ ગાન પતિમુખે સાંભળતી ગુણસુંદરી તેનો અર્થ જ સમજી એટલું નહી, તે ગાનરસ પીતી હતી. એટલું નહી, પણ તેના હાર્દનો હૃદયમાં ઉપભોગ કરવા લાગી. કવિતાના શબ્દાર્થ અથવા વાક્યાર્થ સમજવા, કવિતાનો મર્મ સમજવો, કવિતામાં રસિક બની કવિતાના રસથી આનંદ પામવો – એ સર્વથી કવિતાનો ઉપભોગ એ એક જુદો જ અનુભવ છે. ગાનથી ચિત્ત લય પામે છે – જેમ સર્પ પણ ગાન સાંભળી ડોલે છે અને ભાન ભુલી જાયછે; શુંગારવશ માનવી તલ્લીન થઈ જાયછે – જેમ ગોપિયો વાંસળીના સ્વરથી ઘેલી બનતી હતી; સ્નેહવશ માનવી અભેદયોગ અનુભવે છે – જેનું જયદેવ અને પદ્માવતીની આખ્યાયિકા એ દૃષ્ટાંત છે; ભક્તિરસમાં નિમગ્ન માનવી સંસારને ભુલી જ જાયછે - જેનાં દૃષ્ટાંત અનેક ભક્તરાજનાં ચરિતમાં રહેલાં તે આર્યલોકને સુપરિચિત છે; બ્રહ્માનંદ પામતા આત્મા પાસે સંસાર અંધકાર જેવો અભાવ બને છે અને શુદ્ધ જયોતિ એ એકજ અદ્વિતીય પદાર્થ બને છે તે સઉ અને તેવો જ કવિતાને ઉપભોગ છે – આવાં વ્યાખ્યાન રસીલી સ્ત્રીની પાસે વિદ્યાચતુર ઘણી વાર કરતો. ઘણીવાર ફરી ફરી સાંભળ્યાથી, વધેલી વિદ્યાએ ઉઘાડેલાં લોચનથી, મહાકવિયોએ તેના હૃદયમાં નવા


  1. ૧. ચંદ્ર.