પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

રાખવું, અને તે બધું જાતે મર્યાદા પાળી કરવું ! અને દિવસ વીત્યે શૃંગારશાળામાં પતિની ઉપર રાજ્ય ચલાવવું ! આટલું તે એક સામાન્ય સ્ત્રી કરે છે, અને તેની સાથે લોકના બોલ સહી જવા, ઘરમાં જુલમ અને અપમાન ખમતાં ગમ ખાઈ જવી, પોતાના દુઃખને ગણવું નહી, મન અને પેટ બે મ્હોટાં રાખવાં; એ બધું પણ સ્ત્રીને કરવું પડે છે અને તેટલું જો તે કરે તો જ સ્ત્રીને સ્ત્રી કહેવી. ન કરે તો તે પુરુષ તો નથી જ ને સ્ત્રી પણ નહીં જ – તેને તો જેમ અનંગરંગમાં શંખણી કહી છે તેમ આપણે સંસારરંગમાં શંખણી ક્‌હેવી. ક્‌હો – હવે એક સ્ત્રીને માથે આટલા ધર્મ છે તો સ્ત્રીના ધણી પુરુષના કેટલા ધર્મ હોવા જોઈએ? જે પુરુષને આટલું સ્ત્રીનું કામ આવડે નહી તે સ્ત્રીના કરતાં પણ નપાટ ને મ્હારા રાજ્યમાં, નોકરી કરવા નાલાયક, સ્ત્રી અને પુરુષ બેનું કામ આવડે તે મ્હારી નોકરીને યોગ્ય અને એ યોગ્યતા તમારે મેળવવી. જેનામાં આ સઉ યોગ્યતા વધારેમાં વધારે હોય તે મ્હારો કારભારી થવા લાયક છે. બીજું, લોભ ન કરવો એમ હું નથી કહેતો પણ સ્હામાનું ઘર સાચવી લોભ કરવો, અમારા પુરાણી એક શ્લોક ક્‌હેછે કે વાછડાને ધવરાવી ગાયને દ્હોવાની છે તેમજ રાજાએ પણ પ્રજાને - સંતોષ આપી રાજભંડાર ભરવાનો છે.[૧] હું તમને તેજ રીતે કહું છું કે રાજા- પ્રજાનો સ્વાર્થ સંભાળી તમારા સ્વાર્થના વિચાર રાખજો, નીકર મ્હારે તમારે સગાઈ નથી તે સરત રાખવી. તમે પ્રમાણિક છો તે હું જાણું છું, પણ પ્રમાણિકપણું પઈસા ન ખાધામાં જ આવી જાય છે એમ નથી, પણ બીજી ઘણી બાબતોમાં જોઇએ છીયે તે તમને અનુભવ શીખવશે. તમને એ પ્રમાણિકપણું હાલ વાત કરતાં સ્હેલું લાગશે પણ અધિકારે ચ્હડતાં “માયા દેખી મુનિવર ચળે ” એ તમે હળવે હળવે જોશો. મણિરાજને કાચી અવસ્થાને સમયે તમારા હાથમાં મુકું છું તેથી છલકાઈ કે છેતરાઈ ન જશો ને હમેશ યાદ રાખજો કે એ મણિ છે પણ નાગને માથે છે ને તમારે નાગની સાથે કામ છે, નાગ પ્રસન્ન થાય તો રત્નનો ભંડાર ઉઘાડો મુકે પણ


  1. राजन् दुघुक्षसि यदि क्षितिधेनुनाम् ।
    तेनाद्य वत्समिव लोकममुं पुषाण ॥
    तस्मिंश्च सम्यगनिशं परिपुष्यमाणे ।
    नानाफलैः फलति कल्पलतेव भूमिः