પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૮

તે કોપે તો તેની દાઢમાં યમના દૂત નિરંતર સજ્જ છે તે યાદ રાખજે. મલરાજ એ નાગના જેવો છે.”

રાજકુમારના શિક્ષક થનારના અંતર્માં શબ્દેશબ્દ જડાઈ ગયા, પ્રત્યેક શબ્દમાં ઉપદેશના ગ્રન્થ ભરેલા લાગ્યા, પ્રથમ જ જાતે મ્યાન ઉઘાડનારને તરવારનું મૂળ નીકળતાં જ આંગળિયો સંભાળવી પડે એવો અનુભવ થયો, અને ઘેર ગયા પછી પણ આ નવા સંસારે તેના તાર્કિક મસ્તિકને એવું તે ચકડોળે ચ્હડાવ્યું કે તે દિવસથી ગુણસુંદરી સાથેના સાત્વિક પ્રસંગો સ્વપ્ન જેવા થઈ ગયા, કવિતા કરવી ભુલી ગયો, અને રાજસંસારના તીવ્ર ભ્રમણમાં પડેલી આંખ નેહ-સંસારને નિત્ય ખરતા તારા પેઠે પળવાર જ જોવા પામતી.

આ જ પ્રસંગે ગુણસુંદરીને પણ તેને યોગ્ય વિષમ સંસારજાળમાં લપટાવું પડ્યું અને પૂર્વાવસ્થામાં વિદ્વાન પતિ અને વિદ્યાએ આપેલી કળા તે જાળ ઉકેલવામાં ઉપયોગી થવા લાગી. વિધાચતુરે મ૯લરાજના શબ્દ અમૂલ્ય ગણી એક પુસ્તકમાં ઉતારી રાખ્યા હતા. તે વાંચી ગુણસુંદરીએ પણ પોતાના નવા વ્યવહાર સંબંધી ઘણો બોધ લીધો. બુદ્ધિવાળાના અનુભવ વિદ્વાનોને પણ બોધ આપે છે; એટલુંજ નહી પણ સામાન્ય મનુષ્યો કરતાં વિદ્વાનો તે અનુભવમાંથી વધારે બોધ લે છે. વિદ્યાનું સાધન પુસ્તકભંડાર માત્ર અનેક બુદ્ધિમાનોના અનુભવનું રહસ્ય શીખવે છે અને આ રહસ્ય ગ્રહી લેનારને જ વિદ્વાન ગણવા અને બીજાને કેવળ પુસ્તકપંડિત ગણવા એવો વિદ્યાચતુરનો મત હતો અને તેથી બુદ્ધિવાળાના અનુભવને તે પુસ્તક જેવો જ ગણતો. અભણ પણ અનુભવી મલ્લરાજની પ્રથમ આજ્ઞામાં વસેલો ક્ષાત્ર ઉદ્રેક તેને અતિપ્રિય લાગ્યો, તેમાંનું રાજ-અભિમાન તેને નમવા યોગ્ય લાગ્યું, અને આવી સુંદર લાગતી આજ્ઞામાંથી સર્વેને માત્ર સુંદર લાગતા પુષ્પમાંથી મધમાખી મધ લે તેમ - તેણે અનુભવબોધ લીધો અને એ બોધથી તેનું પોતાનું નીતિબીજ બંધાયું એટલુંજ નહી પણ ગુણસુંદરીએ પણ તે બીજ સ્વીકાર્યું. માત્ર એકને એ બીજ રાજકાર્ય આદિ અનેક સ્થળે કામ લાગ્યું અને સ્ત્રીને તે ગૃહકાર્યમાં કામ લાગ્યું.

પોતાના મામા જરાશંકરને સંતતિ ન હોવાથી વિદ્યાચતુર મોસાળમાં ઉછર્યો હતો. એ જન્મયા ત્યારે તેના બાપ માનચતુરનું વય પાંત્રીશેક વર્ષનું હતું અને તેને ઇંગ્રેજી રાજ્યમાં એક ન્હાના ગામમાં મામલતદારના કારકુનની નોકરી હતી, તે સાધારણ ભણેલો હતો પરંતુ બુદ્ધિશાળી ગણાતો અને જ્યાં