પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦

પણ તેનામાં અભિમાનનું પાસું હતું તેમજ જુઠુંસાચું કરવાની ટેવ હતી. આથી તે સાસરિયામાં સમાય એમ ન હતું પણ સાસરામાં બીજી કોઈ આધેર સ્ત્રી ન હોવાથી તેની ત્યાં ગરજ હતી. આખરે એની દેરાણી ઘર ઉપાડે એવી થઈ એટલે દિયરને ભાભીની ગરજ ના રહી. ચંચળબાનું નિત્ય અપમાન થવા લાગ્યું અને આખરે થાકીને અને દેરાણીનાં મ્હેણાં ન ખમાતાં ભાભીની બોલાવી ભાઈને ત્યાં ર્‌હેવા આવી. એને પંદરેક વર્ષનો યશપ્રસાદ નામને દીકરો હતો તેની વહુ સાલસબા ન્હાતીધોતી થઈ હતી પણ ચંચળબા ભાઈને ઘેર આવી એટલે સાલસબાને સાસરે રાખવાનું બંધ રહ્યું.

જે વર્ષમાં વિદ્યાચતુર મણિરાજનો શિક્ષક થયો તે જ વર્ષમાં થોડા થોડા દિવસને અંતરે માનચતુર, સુન્દરગૌરી, ગાનચતુર, ચંડિકા, દુ:ખબા, અને ચંચળબા પોતપોતાના પરિવાર લઈ વિદ્યાચતુરને ઘેર ઉભરાયાં. એ સઉ ભાર એકદમ અને અચિંત્યો ગુણસુંદરીને માથે પડ્યો. સઉનાં જુદી જુદી જાતનાં દુ:ખની સંભાવના કરવી, સઉના જુદા જુદા સ્વભાવની સાથે પાલવતું કરવું, અને સઉની કટેવો વેઠવી આ સઉ કારભાર ને આ સઉ ચિંતા ઉપાડતાં શુદ્ધ યુવાવસ્થામાં ખીલવા લાગેલી ગુણસુંદરીને ભોગવિલાસનો ત્યાગ કરવો પડ્યો અને વૃદ્ધાવસ્થાનું ધૈર્ય અને શાણપણ શોધવું પડયું. એનું ઘર ન્હાનું હતું, એના પતિની આવક આ સર્વ ખર્ચના પ્રમાણમાં જુજ હતી, અને સર્વના મનમાં એની પાસેથી સંભાવનાની અપેક્ષા તથા આશા વિદ્યાચતુરની પદવીના પ્રમાણમાં મ્હોટી રાખવામાં આવતી. તે અપેક્ષા અને આશા પૂરતાં જાણ્યે અજાણ્યે ચાલ્યે ન ચાલ્યે જેટલી ન્યૂનતા રહી જતી તેટલો અસંતોષ થતો અને તેટલા દોષ વિધાચતુર અથવા ગુણસુંદરીને માથે મુકાતા.

આ સર્વ કુટુંબભાર ઉગતી ગુણસુંદરીને માથે પડ્યો તે પ્રસંગે તેને જગતનો અનુભવ ન હતો અને એ ભાર નીચે કેટલાં કચડાવું પડશે અને તે પ્રસંગે કેટલું બળ રાખવું પડશે તેની એને કલ્પના પણ ન હતી. પ્રથમ વીશીની જુવાનીમાં પતિ સાથે એકલી રહેલી માણસની ભુખી હતી અને કુટુંબની સંભાવના કરવામાં પોતાની ઉદારતા અને મમતા દેખાડવાથી જન્મારો સફળ થયો માનતી હતી. પતિની સાથે વિકસેલો સ્નેહ કુટુંબીજન સાથે વિકસવા ઈચ્છતો હતો. પોતાના જેવાં જ પારકાંનાં અંતઃકરણ ક૯પતી હતી અને વત્સલ ડોશિયોમાં વસી વત્સલ થયેલી ગુણિયલ યુવતિ કુટુંબભારની ધુરન્ધર થવા ઈચ્છતી