પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૧

હતી. સંસારનું એક જ પાસુ તેણે અનુભવેલું હોવાથી પોતાના સદ્ગુણના વિકાસને સંસાર સર્વથા અનુકૂળ પડશે એવી તેણે આશા રાખી હતી. આ સર્વ ઉત્સાહ ભરેલી બાળાને કુટુંબભારની દુર્વહનીયતાનાં પડ અનુભવે ધીમે ધીમે ઉઘાડી આપ્યાં.

ઘરમાં માણસો ઉભરાયાં ત્યારે પ્રથમ તો ગુણસુંદરીને ઘણી સગવડ અને ઘણો આનંદ થયો. કેટલીક ન્હાની ન્હાની અગવડો પડી તેનો બદલો તો વસ્તીમાં ર્‌હેવાના આનંદથી જ મળી ગયો.

ન્હાના સરખા ઘરમાં જરા સંકડાશ પડવા લાગી, પણ આખો દિવસ ભર્યા રહેતા ઘરમાં કલોલ જેવું લાગવા માંડયું. પરસાળમાં સર્વ સ્ત્રિયોને તથા તેમનાં છોકરાંને સુવાબેસવાનું રાખ્યું. પરસાળપરની મેડીમાં જેઠ જેઠાણીને વાસ્તે એકાંત શયનગૃહ કરી આપ્યું ? પરસાળની પાછળ ઓરડો હતો તેમાં જોખમ ર્‌હેતું અને તેને હવે ચામડાનું તાળું થયું ગણાયું. ઓરડા પરની મેડીમાં દાણાની વખાર હતી તે પ્રસંગે લેવા જવું પડે ત્યારે જ માત્ર જેઠાણીની મેડીમાં જવું પડે. પરસાળની આગળ ચોક હતો. ચોકની એક પાસ રસોડું, પાણિયારું, વગેરે હતાં અને બીજી પાસ બે ઓરડિયો હતી તેમાંની એકમાં વડીલ માનચતુરને એકાંતવાસ આપ્યો ને બીજી વૃદ્ધ સાસુ ધર્મલક્ષ્મીને સારુ રાખી. ચોક આગળ ખડકી હતી અને તેના ઉપર મેડી હતી. બાકીના ભાગ ઉપર અગાશી હતી. સઉ આવ્યાં પહેલાં પોતાને સુવાનું પરસાળની મેડીમાં હતું અને ખડકીની મેડીમાં વિદ્યાચતુરની કચેરી : હતી. હવે સુવાનું ઠેકાણું ખડકીની મેડીમાં કર્યું અને કચેરી ખડકીમાં કરી. ખડકી ને ચોક વચ્ચે પડદો ભરી લીધો એટલે સ્ત્રિયોને મર્યાદા થઇ, પરસાળની જોડે ન્હાનો સરખે ચોકો હતો તેમાં રસોડાનું બારણું પડતું હતું. એ ચોકમાં જમવા બેસવાનું હતું. ચોક પાછળ ગજાર ને તેની પાછળ છીંડી હતી. ચોકમાં રસોડા જોડે પાણિયારું અને ટાંકાની ઓરડી વગેરે હતું. ન્હાની સરખી જગામાં થોડે ખરચે ઘણો સમાસ કેમ કરવો તે આપણાં ઘર બંધાવનાર વડીલો આપણાં કરતાં વધારે સમજતા હતા એવું વિદ્યાચતુર હમેશ કહેતો, અને પોતાના મ્હોટા કુટુંબને પોતાના ન્હાના ઘરમાં સર્વને અનુકૂળ સમાસ કરી આપનારી પત્નીએ આ ઘર બંધાવનારની બુદ્ધિને સફળ કરી આપી જોઈ પતિને અત્યંત સંતોષ થયો, અને બદલામાં પોતાને સુવાના નવા સ્થાનમાં સાન કરી, સ્ત્રીને બોલાવી હૃદયદાન દીધું. આ પ્રીતિદાય લેતાં લેતાં પત્ની બોલી: “જુવો, વડીલ શરીરે સારા ર્‌હેતા નથી અને