પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪

દેખાવમાં શેઠ ઉપરી ને નોકર હાથ નીચે, પણ ઉભયને પરસ્પરની ગરજ. હાથ ઉપર ને પગ નીચે – એથી ઈશ્વરને મન હાથ વધારે નથી ને પગ ઓછા નથી. શાના વગર ચાલશે ? સ્ત્રીપુરુષને પણ એમ જ છે. મ્હારા ને તમારા સરખા હક, પણ મને ઈશ્વરે તમારા કરતાં ચાર તસુ નીચી કરી તે કંઇ ઉંચાં થવાશે ને સ્ત્રી મટી પુરુષ થવાશે ? અમારા કામમાં તમે અમને અયોગ્ય હરકત કરતા હો, અમને માણસને ઠેકાણે ઢોર ગણતા હો ત્યારે તમારો દોષ. આ તે શું ? પુરુષ તે પુરુષનું કામ કરે તે ને સ્ત્રિયે ઘરની ચિંતા ન ઉપાડવી, ને ડાહ્યાં ડમકાં બની ટાપટીપ કરી ગપાટા મારવા ને બેસી ર્‌હવું ને ધણીને ક્‌હેવું કે મ્હારે તે ખાવાનું જોઇએ, પ્હેરવાનું - જોઇએ, રસોઇયો જોઇયે, ને તમારાં માબાપ વૃદ્ધ થયાં માટે હું કાંઇ મ્હારું જોબન જવા દઉં? – એ તે કેવું કે ત્હારું મ્હારું સહિયારું ને મ્હારું મ્હારું પોતાનું આપણે એવાં થઈ આપણું ઘર બગાડવું ને દીકરિયોને એવી કરી જમાઇનાં ઘર બગાડવાં. એ તો બહુ સારો ધંધો માંડ્યો. તમે બ્હાર દીવાન થાવ તે તમારું ધર દીવાનના જેવું કરવું, તમારા કુટુંબને દીવાનના કુટુંબનું સુખ આપવું, ને તમે તમારા બ્હારના કામના વમળમાંથી થાકી ઘેર આવે ત્યારે તમારી પદવી જેટલા ઉંચા સુખસંસારમાં તમને લઇ લેવા એ અમારું કામ ને એમાં અમારી વડાઈ, ”

“વારું, હું દીવાન થઉં તો એમ કરજે. હાલ તો આપણા આ ન્હાના ઘરમાં ત્હારી ચતુરાઇ કેટલી પ્હોચે છે તે દેખાડજે. પણ હાલ અભ્યાસ કેમ ચાલે છે?” વિદ્યાચતુરે પુછ્યું ને ગુણસુંદરી નરમ જવાબ આપશે એમ ધાર્યું.

ગુણસુંદરી: “અભ્યાસ ? આ બધો યે અભ્યાસ જ છે કની ? કાગળનું પુસ્તક કે સંસારનું પુસ્તક, જેમાંથી શીખિયે તેમાંથી શીખાય ! – વંચાશે હળવે હળવે - ત્યાર સોરું બધું રસ્તે પડશે એટલે. હાલ તે ઘરમાં ગમ્મત છે. ચાર વાગે કુકડો બોલતાં ઉઠી તમારી પાસેથી નીચે જાઉંછું તે તમને ખબર છે. જઈને પ્હેલું કામ એ કે ઘરમાં દીવા કરું છું એટલે તમારા ઘરમાં અંધારાનું અજવાળું થાય છે. ચાકર બીચારો બાર વાગે સુવા પામે છે તેને ઉંઘમાંથી ઉઠાડવાનું પાપ વ્હોરવું એ સવાર થતાં પ્હેલાં મ્હારું બીજું કામ. શું કરું ? કોઇ જાગે નહી એમ ધીમે ધીમે ઉઠાડવાનું કરું છું, તે કોઇ વખત તો ઉઠે અને કોઇ વખત તો દયા આવે છે એટલે સુવા દેઉ છું. પછી