પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬

ગુણસુંદરીની સંપૂર્ણ ખાતરી હતી. સુવાડવામાંથી પરવાર્યા પછી પણ પોતે છડી મટાવાની એટલે આ સઉ ગુંચવારો મટાડવા પોતાને જોઇતી સવડ નહી પડે તેની પણ એને બ્હીક હતી. સઉના સ્વભાવ અને ગુણદોષ તે થોડા અનુભવથી જાણી ગઈ હતી અને હાલતો ગુંચવારો જન્મજ ન પામે અને પાણી પ્હેલી પાળ જ બાંધવી એટલું કરવું તેમાં, ગુંચવારો જામ્યા પછી મટાડવા જેટલી મુશ્કેલી ન હતી. મીઠા અને મધુર સ્વરથી, વિજ્ઞપ્તિ (વિનંતી) ના આકારની આજ્ઞાથી, કોમળ સૂચનાથી, કોને અનુકૂળ શું કામ પડશે તે શોધી ક્‌હાડી તેને તે જ કામ સોંપ્યાથી, પોતે કોઈના ઉપર સીરજોરી તો કરતી જ ન હોય એવી વર્તણુકથી, કેડે છેડો બાંધી આખો દીવસ ખરેખરી માથાકુટનું કામ જાતે ખરા ઉદ્યોગથી અને વણવિસામે ઉપાડી લઈ તે કામ કરતાં તેનામાં દેખાઈ આવતા ઉત્સાહના દૃષ્ટાંતથી, અત્યંત શાન્તિ અને સહનશીલતા રાખી સામાને જણાય નહી પણ તેના મનમાં રમી જ જાય એવી રીતે શીખામણ આપવાની કળાથી, અત્યંત કુટુંબવત્સલતાથી, ઉદારતાથી, આત્માર્પણથી અને બીજી અનેક જાતની ચતુરાઈથી, ન્હાની વયની ઉગતી ગુણસુંદરીયે ઘણાં માણસથી ભરેલા ઘરનું નાવ સંસારસાગરમાં વેગથી ધપાવ્યું હતું અને તેના ઘરમાં આનંદ અને સંપની સીમા ન હતી. ગુણની કીમ્મત ગુણ ન હોય ત્યારે થાય છે, સુખની કીમત દુ:ખમાં થાય છે, અને સારાની કીમત નરસું કરાવે છે તેમ ગુણસુંદરીને સુવાવડ આવી ત્યારે સઉને તેની ખોટ જણાવાનો પ્રસંગ આવ્યો. ઈશ્વરદત્ત બુદ્ધિ અને પતિદત્ત વિદ્યા, સ્વાભાવિક અને ઉદાર સદ્‍ગુણો, અવિરામ ઉદ્યોગ, યૌવનયોગ્ય ઉત્સાહ, અને વૃદ્ધજનના જેવી નિર્મળ વત્સલતાઃ આ ઉત્તમ ગુણભરેલી ગુણસુંદરીથી ભાગ્યવાન વિદ્યાચતુરને તેની પરીક્ષા કરવાનો પ્રસંગ સમીપ આવતો હતો. પોતે એને મ્હોડે એનાં વખાણ કરતો ન હતો પણ જેમ જેમ બ્હોળા કુટુંબની સરભરા કરવામાં તેના નવા નવા ગુણ પ્રકાશમાં આવતા હતા અથવા પરિચિત ગુણ વિકાસ પામતા હતા તેમ તેમ સંતોષ પામતો હતો અને ઈશ્વરનો ઉપકાર માની પોતાની રાજસેવાના પ્રસંગોમાં મલ્લરાજની આજ્ઞા સ્મરી એ જ ગુણોનું ઉપયોગીપણું પરખતો હતો. રાજ્યસંબંધમાં પડેલાં માણસો જેવાં હોય તેવાં જ નીભાવવાં પડે છે, તેને જ ઉપયોગી કરી દેવાં પડે છે, તેમની સાથે સહનશીલતા અને ઉદાર ચિત્ત રાખવાં પડે છે, ઇત્યાદિ અનુભવ પોતાને થતો હતો તેમાં અને ગુણસુંદરીને થતા અનુભવમાં ઘણુંક સરખાપણું લાગ્યું.