પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭

ગુણસુંદરીના સીમન્તવિધિને પ્રસંગ આવ્યો તે સમયે ઘરમાં વધેલી વસ્તી ઘણી કામમાં લાગી પરંતુ તે જ રીતે તેમનાં મન જાળવવાં એ મ્હોટું કામ ગુણસુંદરીને કરવું પડયું અને તેમ કરવા શીવાય એ પ્રસંગની સર્વ ચિંતા તો પોતાને જ રાખવી પડી. જ્ઞાતિભોજનની ખટપટ કરવામાં, બ્હારનો સામાન લાવવાના કામની ચિંતામાં, ગાનચતુરે ઘણો ભાગ ઉપાડી લીધો અને જરાશંકર અને બીજા સમ્બન્ધિયો કામ લાગ્યા તથાપિ તે સર્વ કારભારમાં અંધેર થતું અટકવું તે ગુણસુંદરીની સંભાળથીજ થયું. કારણ કામ કરવા સર્વ તત્પર રહેતાં અને ઉલટ બતાવતાં પણ કિયું કામ કોણે કરવું અને કાળક્ષેપ ન થતાં જે કામ જે ઘડિયે જોઈયે તે વખતે જ કરાવવાની ચિન્તા ગુણસુંદરીને રહી. આ સર્વનું કારણ એ જ કે “આ ઘર અને આ કામ તે મ્હારું પોતાનું જ છે અને મ્હારે પોતે જ પાર ઉતારવાનું છે” એ ફીકર કોઈને ન હતી. ઘરમાંથી સામગ્રી જોઈયે તે આણવામાં સર્વ સ્ત્રીમંડળ તત્પર હતું, પરંતુ કઈ સામગ્રી કોને જોઈયે અને કયાં મુકેલી હશે અને ક્યારે તેનો શો ઉપયોગ કરવો એ સર્વ કામ ગૃહિણીનું જ રહ્યું. વળી સામગ્રીનો આ મહાસભારંભમાં વખતો વખત બીગાડ થતો હતો તે કોઈ પ્રસંગે અટકાવાય અને કોઈ પ્રસંગે મ્હોટું પેટ રાખી થવા દેવો પડતો હતો તે પ્રસંગોનો વિવેક ઘરમાં કોઈ સમઝતું ન હતું અને ઘડી ઘડી ક્લેશના અને તકરારના પ્રસંગ આવતા તે ગુણસુંદરી સમયસૂચકતાથી જાળવી લેતી હતી અને બીગાડ થતો અટકાવતી હતી. જ્ઞાતિવ્યવહાર જાળવવા એ પણ એક વિકટ કામ હતું. એ શાસ્ત્રમાં ધર્મલક્ષ્મી સાસુ પ્રવીણ હતાં, પણ અવસ્થાને લીધે તેમનું શરીર જર્જરિત થયું હતું એટલે ઘરબ્હાર નીકળતાં ન હતાં કે સઉ બાબતની ખબર નો રખાય. પરંતુ બધી વાતની બેઠાં બેઠાં પુછપરછ કરતાં હતાં. એમને મ્હોટું પદ આપવા અભિમાન વિનાની ગુણસુંદરી બધી બાબતમાં તેમનો અભિપ્રાય લેઈને કામ કરતી હતી. તે પણ પોતાના અભિપ્રાયનો અમલ કેમ થાય છે, શામાં શામાં પોતાને પુછયા વગર વહુ આગવું ડ્‌હાપણ ચલાવે છે, શામાં શામાં સારું નરસું બોલાય છે, વગેરે તપાસ ડોશી ચંચલ મારફતે કરતાં; ચંચળ છાશમાં પાણી ઉમેરતી; અને ડોશી સમજુ હોવાથી વહુની કીમ્મત સમજતી તે પણ કોઈ કોઈ વખત મનમાં એની ભુલ ક્‌હાડતી, કોઈ વખત ચંચલ આગળ મ્હોં મરડતી, અને કોઈ વખત ગુણસુંદરીને ધીમે રહીને શીખામણ દેતી અને કોઈ વખત ટ્‌હાડા ડહામ દીધા જેવું પણ કરતી. કોઈ વખત મનમાં ખોટું તો