પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮

લાગતું પણ આખરે “હશે, મ્હોટાં છે” કરી ઉદાર વહુ સઉ વાત ભુલી જતી અથવા સહી જતી. પોતાના સીમંતની ચિંતા સ્વાભાવિક રીતે વડીલોને માથે હોવી જોઈયે તે છતાં સીમન્તિનીને જ માથે આવી, અને જે સમયે તેના તનમનને આરામ અને આનન્દ જોઈયે તે સમયે તેને પ્રભાતથી મધ્યરાત્રિ સુધી કળ વાળી બેસવાનો વારો આવતો ન હતો અને તેમ છતાં તેને “જસમાં જુતિયાં” જ મળતાં. દુ:ખી દુ:ખબાને શ્રમ ન પડે જાણી તેને માત્ર ઘરમાં આવતાં જતાંને આવકાર દેવાનું અને જમાડવાનું કામ સોંપ્યું હતું અને એક ઠેકાણે બેસી રહી છોકરાંને વસ્ત્રાલંકાર પ્હેરાવવા ઉતારવાનું તથા ઉતારી સંભાળી મુકવાનું સોંપ્યું હતું, પરંતુ સાહસરાયની આપત્તિ જાણે ગુણસુંદરીયે જ આણી મુકી હોય અને તે પરદેશ હતો તે સમયે સીમન્તનું મંગળકાર્ય કરવાનો પ્રસંગ આવ્યો તે દોષ ગુણસુંદરીનો હોય તેમ તેની સમક્ષ દુઃખબા નિઃશ્વાસ મુકતી અને તેની પાછળ રોતી અને જોડે બેસનારાંપાસે કંઈ કંઈ બોલતી તે વાતો ગુણસુંદરી પાસે વધઘટ પામી જતી, પરંતુ ધીર અને શાંત ગૃહિણી સઉને ગંભીર અને અનુકંપક ઉત્તર આપી ખોટું ન્હોતી લગાડતી. આ ગરબડાટને પ્રસંગે માંદા માનચતુર અને ધર્મલક્ષ્મીને જોઈતી સવડમાં ખામી ન આવે તેની સંભાળ રાખવી અને અવકાશ મળે તે સવડ પ્રમાણે દીઠું કામ કરવું એ ચંચળબાને માથે હતું અને તે રીતે ચંચળ નણંદ ભાભીનું ઘણું કામ ઓછું કરી દેતી હતી, તો પણ પોતાનાં છોકરાંને ખાવાપીવામાં અથવા વસ્ત્રાલંકારમાં ખામી આવે એટલે દુ:ખબાને ઠેકાણે ભાભીનો દોષ નીકળતો અને ધર્મલક્ષ્મીપાસે ફરિયાદ જતી. મોડો વ્હેલો ભાભીને ઠપકો પણ મળતો પરંતુ સામે ઉત્તર દેવાને ઠેકાણે અથવા દુ:ખબાનો દોષ ક્‌હાડવાને બદલે ગુણસુંદરી વધારે સારી વ્યવસ્થા કરવાનું માથે લેતી. લોકને ન્હોતરાં દેવાનું અને ઘરના સર્વ પરિવાર સાથે શૃંગાર સજી બહાર જ્ઞાતિજનમાં ફરવાનું અને શોભા લેવાનું કામ ચણ્ડિકાને સોંપ્યું હતું. આ કામ તેને ગમતું અને કરતી, પરંતુ તે વિવેકમાં ભુલતી, અથવા રસ્તામાં સ્ત્રિયો સાથે વાતો કરવામાં રસળતી, અથવા કોઈની લ્હડવાડ ઘરમાં લાવવા ચુકતી નહી. એનો દોષ ક્‌હાડ્યાવિના ગુણસુંદરીને માત્ર કોઈને મ્હોયે આ સાંભળવાને બળાત્કારે પ્રસંગ આવે એટલે પારકાએ મુકેલો આરોપ તેણે જ મુકેલો ગણાતો, અને ઉપયોગી કામમાંથી ખોટી થઈ ચણ્ડિકાનાં મ્હેણાં દિવસમાં એક બે વાર સાંભળવાં પડતાં. જેઠાણીના ઉભરા શમે એટલે ડાહી દેરાણી તેને શાંત પાડે; અને “અત્યારે