પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧

થઈ અને તેને નવમો માસ હોવાને લીધે સઉને ખોટો વિવેક કરવો પડતો પણ આખરે તેને રસોઈ કરવા દેતાં. સ્હાડા નવ મહીના પુરા થવા આવ્યા હતા તેવામાં છેક છેલ્લે દિવસે તેણે ઘરનાં સત્તર અઢાર માણસની રસોઈ કરી અને રસોઈ વખત પણ એની પાછળ હેરોફેરો કરવા કોઈ કામ લાગતું નહી તેથી મેર ભરી પાણી પાણિયારેથી રસોડામાં આણી મેર હેઠળ મુક્યો ને પેટમાં દુ:ખ થયાથી સઉ પડતું મુકી ગજારમાં પોતે ખાટલો તૈયાર રાખ્યો હતો તેમાં પડતું મુકયું અને ઓછું આવતાં રોઈ પડી. એની પાછળ એની દયા જાણનારી સુન્દરગૌરી દોડી. ચંડિકાએ પોતાની મેડીમાંથી બેને જતાં જોયાં, પણ તપાસ ન કરી. ચંચળ એની સાથે ગપાટા મારવાના ધ્યાનમાં હતી, ધર્મલક્ષ્મી પૂજાના ધ્યાનમાં હતાં. દુ:ખબા ખડકીમાં માથે હાથ દઈ બેઠી હતી. ગુણસુંદરીની દયા જાણનાર બીજું માણસ વૃદ્ધ માનચતુર હતો. માંદે માંદે તે સઉ તાલ જોયાં કરતો, દીકરિયોને ધમકાવતો, ને ડોશીને ખીજતો. પોતાના ખાટલામાં સુતે સુતે ગુણસુંદરીને જતાં જોઈ તે કારણ ચેતી ગયો અને મંદવાડ ન ગણી લાકડી ઝાલી ઓરડી બહાર આવી ગાજી ઉઠયો : “દુ:ખબા,ચંચળ, રાંડો કરો છો શું? મોઈ તમારી મા ને એની પૂજા! પેલી બીચારીની ખબરે કોણ રાખે છે જે ? ઉઠો!” વડીલને હોંકારે ઘરમાંની સર્વ ભરતી ગજાર ભણી વળી, પૂજા એમની એમ રહેવા દેઈ જાગૃત થયેલાં ડોશી વૃદ્ધ શરીરમાં જુવાનીની ત્વરા મુકવા પ્રયત્ન કરી દોડ્યાં. ચંચળ દોડતી દોડતી ઉતરી. દુ:ખબા ખડકીમાંથી ધીમે ધીમે આવવા લાગી તેને વડીલે રીસ કરી ધમકાવી: “ઓહો ! ઓહો ! આ તે કાંઈ તનેજ દુ:ખ હશે ! પગ શા ભાંગી ગયા છે જે? દોડ, નીકર પછવાડેથી ધક્કો મારીશ કેની એટલે વેગ આવશે !” પોતાના ઉપર અન્યાય અથવા જુલમ ગુજરતો હોય એવું મ્હોં કરી એણે પગલામાં વેઠે ઉતાવળ આણી. ચંડિકા સઉની પાછળ ડોસાઉપર મ્હોં મરડતી મરડતી ઉતરી અને કીડીને વેગે ચાલી. પરસાળના બારણામાં નજર પડતાં ડોસાએ તેનો ચાળો જોયો અને બડબડ્યો: “કોણ જાણે ક્યાંથી એ કુભારજા મળી છે ! ભાઈને કમાવું નહી ને બાઈનું શરીર જરી જરીમાં ઘસાય છે!”

ગજારમાં સઉ એકઠાં થઈ ગયાં. ખાટલામાં ગુણસુંદરી બેભાન જેવી પડી હતી અને સુંદરીગૌરી ઈસપર તેનું શરીર ઝાલી બેઠી હતી. તેમની આસપાસ સઉ વીટાઈ વળ્યાં. ચંચળે મ્હોટા ભાઈને બુમ પાડી સુઇયાણીને તેડવા મોકલ્યો. ભાંગ અને ગાનના ઘેનમાંથી જાગી તે