પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩

જતું અનુભવ્યું, નાસિકામાં ઉષ્ણ પવન ઉત્પન્ન થયો, જીભ સુકાઈ ગઈ, અને મગજમાં ગુંચવારો થયે. આંખ ભેજવાળી થઈ, શું કરવું તે સુઝયું નહી. હીન્દુસંસારની રીત પ્રમાણે ગજાર આગળ જઈ આ વખત પ્રિયાનું મુખ જોવાય – ખબર પુછાય – તે પણ મર્યાદાહીન થાય. અચિન્તી હાથમાની કુંચી ઉપર નજર પડી, કેમ મોકલી તેનો વિચાર થતાં કંઈ કંઈ તર્ક ઉત્તરરૂપે ઉઠયા, અંતે ગુણસુંદરીની પેટી ઉઘાડી, તો ઉપલા ખાનામાં જ પોતાને લખેલો એક પત્ર ! તે ઝડપથી લીધો અને વાંચ્યો.

“મ્હારા ચતુર વ્હાલા ! આજ હું રસોઈ કરવા નાહું છું પણ મ્હારું શરીર કહ્યું નથી કરતું. મને લાગે છે કે આજ સાંજ સુધીમાં હતી ન હતી થઈશ. ઘરકામને લીધે બે માસ થયાં દિવસે તમારી સાથે વાત કરવાને પાકલાક સરખો મળ્યો નથી અને રાત્રિયે તમે થાક્યા પાક્યા નિદ્રા શોધતા હો તે પ્રસંગે તમને મ્હારાં ટાયલાં સંભળાવતાં મને કંપારી છુટતી હતી એટલે હું તમને સુવાજ દેતી. આથી ઘણી ઘણી વાતો તમને ક્‌હેવાની હતી તે મનમાંની મનમાં જ રહી ગઈ છે ને કાગળમાં તે શું લખું ? લખવાની યે મ્હારામાં આજ સત્તા નથી. ટુંકામાં બે બોલ કહીશ.”

“ઓ મ્હારા વ્હાલા ! મ્હારી પાછળ તમારી શી વ્હલે થશે ? તમે મ્હારાઉપર આટલો વ્હાલ શું કરવા રાખ્યો કે તમને આટલું દુઃખ થવા વારો આવ્યો? અરેરે ! હું અભાગણી મરતી મરતી યે તમને દુ:ખ દેવા સરજેલી છું. હું ધારું છું કે હું ગર્ભસુદ્ધાં પાર પાડીશ. પણ જે છુટા છેડા થાય તો તે બાળકની હું ચિન્તા નથી રાખતી. તમારા વ્હાલનો મને પુરો વિશ્વાસ છે અને હું ગઈ એટલે મ્હારી નામનીશાનીમાં જ તો એટલું એસ્તો ! તેની સંભાળ તમે રાખ્યાવિના કેમ ર્‌હેશો ? તમારું વ્હાલ બીજે ઠેકાણે ઢોળાશે તોપણ, ઓ મ્હારા વ્હાલા, તમે ડાહ્યા છો, ગંભીર છો, નિષ્પક્ષપાતી છો, જોઈ વિચારીને સઉ કરો એવા છો, – તમારા વ્હાલને બાદ કરું તો પણ એ ઘણાક ગુણના મ્હારા ભંડાર ! તમારા ગુણ ઈશ્વર અમર રાખો અને તમારા બાળકની સંભાળ રાખશો એવી પુરી ખાતરી રાખી હું નિશ્ચિન્તપણેથી જમની જાળમાં લપટાઉં છું. મને એક બીચારી સુન્દરની ચિંતા છે – એ બીચારીનું પલ્લું પણ એનો ભાઈ ખાઈ ગયો છે ને એને રોવાસરખું પણ ઠેકાણું નથી. એની સંભાળ રાખજો – આપણા ઘરમાં સઉ સારાંજ છે તો પણ એની સંભાળ રાખજો