પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫

સુધી આવવા દેવું જોઇતું ન હતું. કેવી બહાદુર સ્ત્રી ! હજી તો ઉગતી અવસ્થા છે એટલામાં મને ઘરની બાબત નિશ્ચિંત કરી દીધો ! પણ એના મનમાં નિર્બળતા આવી ગઈ છે – ના, ના, એ ધારે છે - એવી કાંઈ બ્હીક નથી. જો એ ગઈ, તો મ્હારું કર્મ ફુટશે – જો એ મ્હારો ભાઈ હોય તો કારભાર કરે એવી સ્ત્રી છે. હું એનાથી ભાગ્યશાળી છું - ઈશ્વર ! તું જે સારું હશે તે જ કરીશ. હૃદય બળવાન કેમ રાખવું તેની આજ મ્હારી પણ કસોટી છે, શું એનું હૃદય ! મ્હારા ઘરની – મ્હારી – એ કેવી ચિંતા રાખે છે! ગુણિયલ ! મ્હારી ગુણિયલ ! હું ત્હારે સારુ શું કરું? – તું મ્હારે સારુ કરે છે એમાંનું ત્હારે સારુ મ્હારાથી કાંઈ બનતું નથી. હું કૃતઘ્ન છું. હે હરિ !”

ડાકતર અશરણશરણ બાબુની ગાડીનો ઘોષ સંભળાયો.

“ગુણિયલ ! રે ! ગુણિયલ !”
“ઓ રે મ્હારી ગુણિયલ! રે ! ગુણિયલ !”

એવું વિચાર ને શોકમાં લીન થઈ ગાતાં ગાતાં ગાડીના ઘોષથી જાગી વિદ્યાચતુર ઉઠયો ને ઉઠતો ઉઠતો છાતી ઠોકી બેલ્યોઃ “બસ, આ પ્હેલું તો એ કરીશ કે લોકલજજા છોડી ડાક્તરની સાથે જઈ મ્હારી ગુણિયલની પાસે જઈ ઉભો રહીશ ને ડાક્તરને મદદ આપીશ. લાજ મુકવી એ અત્યારે કર્તવ્ય છે તે કરીશ ને મ્હારી ગુણિયલ કરતાં લાજને વધારે વ્હાલી નહી કરું."

ડાક્તર ઉપર આવતો હતો તેને લેઈ સ્ત્રીમંડળ વચ્ચોવચ થઈ ચાલ્યો અને સ્ત્રિયો જોતી ને જોતી રહી અને એ ગજાર આગળ આવી ડાક્તર સાથે ઉભો અને લાજ છોડી બોલ્યોઃ “કેમ, સુંદરભાભી, શી ખબર છે તે જરા ડાક્તર સાહેબને ક્‌હો.”કમાતું માણસ તેને કોણ ઠપકો દે કે “અંહી સ્ત્રિયોનું જ કામ ને આમ લાજ ન મુકાય ?” ગાનચતુરે આ કામ કર્યું હત તેા એના પર વાદળ તુટી પડત. સઉ વિદ્યાચતુરને અનુકૂળ થઈ ગયાં, ગુણસુંદરી પર દયા બતાવવા મંડી ગયાં, અને સુન્દરીગૌરી એનું માથું ખોળામાં રાખી નીચું જોઈ હકીકત ક્‌હેવા માંડે છે એટલામાં તો ગુણસુંદરી બેભાન અવસ્થામાં બેઠી થઈ અને ઘેનવાળી દેખાતી અર્ધી મીંચેલી આંખે પણ જાણે ભાન હોય અને જીવ કાંઈ ઉંડાણમાં પડ્યો હોય ને ત્યાંથી બોલતી હોય તેમ ધીરે અને તણાતે સ્વરે ગાવા લાગી અને છાતીપર હાથ નાંખી ડોક અર્ધી નાંખી દઈ દયામણે મ્હોંએ ગાતાં ગાતાં શોકરસની સીમા ઉત્પન્ન કરવા લાગી :