પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪

"મહારાજ, ક્ષમા કરો – એમના કર્યા સામું જોશો નહી – એમનું પાપ મને આવજો ને મ્હારું પુણ્ય એમને જજો! પણ ક્ષમા કરો !”

ઘરમાંનું સર્વ મંડળ ભરાયું હતું તેમાં સઉની સાથે લ્હડતો લ્હડતો ડોસો સઉને ધમકાવવા લાગ્યો. દુ:ખબા સામે આંખો ક્‌હાડવા લાગ્યો, ચંચળ સામે ઓઠ કરડવા લાગ્યો, ચંડીકા સામે દાંત પીસવા લાગ્યો, ગાનચતુર સામે ચાળા કરવા લાગ્યો, ચાકર સામે દૂરથી હાથ ઉગામવા લાગ્યો; વિદ્યાચતુર ઉપર પક્ષપાત દેખાય નહી માટે તેની પુઠ કરી તેને ન દેખતો હોય તેમ ઉભો. સુન્દરગોરીના સામું જોયું નહી; અને ઘરની અવ્યવસ્થા બાબત પોતે જેટલું સુતાં સુતાં જોયા કર્યું હતું અને જેટલા જેટલા જેનાં અપલક્ષણ હતાં તે તે તેમને સઉને ધમકાવી ધમકાવી કહી બતલાવ્યાં અને ગાળો ઉપર ગાળો દીધી. આખરે સુન્દરગૌરીને ગુણસુંદરીની તપાસ રાખવા ગજારમાં મોકલી દીધી અને ચંડીકાને તથા પોતાની બે દીકરિયોને લાકડી ઉગામી ઘરબ્હાર ક્‌હાડી મુકી સાંકળ દેઈ, ગાનચતુરને હુકમ કર્યો કે “આપણે સઉને સારૂ જમવાનું તૈયાર કર – રાંડોને તો આમ જ ઘટે.” વિદ્યાચતુર ન્હાનપણમાંથી પરદેશ ર્‌હેલો એટલે પિતાનું આવું ઉગ્ર સ્વરૂપ જોવાનો વારો તેને આજ જ આવ્યો, અને આશ્ચર્યથી આભો બની, હડપચીએ હાથ દેઇ, શું કરવું કે ક્‌હેવું તે ન સુઝવાથી દિઙ્‌મૂઢ જેવો બની પોતે ઉભો હતો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. બ્હાર લોકો ભરાઇ ગયા અને બારણાં હચહચાવી મુક્યાં, નાટક વધી ગયું જોઇ, ડોસો હાથમાં નથી એવું સમજી, આખરે ડોશી દેવમન્દિર છોડી પાછાં બ્હાર આવ્યાં. આંસુ લોહી નાંખ્યાં. મહાદેવના ગુણ તપોધન જાણે તેમ ડોસાનો સ્વભાવ વર્તી જનારી ડોસીને પોતાનો સ્વભાવ બદલવો પડ્યો. ધર્મ અને આચાર ઉભયને ઠેકાણે વ્યવહારને આગળ કરવામાં આગ્રહ ધરનારો પતિનો સ્વભાવ છે અને એ સ્વભાવ સમુદ્રના મોજાપેઠે અત્યારે ઉછાળા મારી રહ્યો છે, તેના સામા થવા કરતાં તેને વશ થવાથી તેના હેલારાનું બળ ઓછું લાગશે એ ભાન ડોશીને આવ્યું. એ ભાન આવવાની સાથે ડોશીની સ્વાભાવિક બુદ્ધિ સ્વચ્છ બની, ડોસાના વચનમાં સત્ય હતું તે સમજાયું, ઘરની અવ્યવસ્થા દૃષ્ટિ આગળ તરવા લાગી, તેનો ઉપાય પોતાના જ હાથમાં આવે એવો હતો તેને લીધો, હૃદયને શાંત કર્યું, મુખ ગંભીર કર્યું, કુટુંબનું હિત જાળવવું એ પણ એક ધર્મ છે એવો વિચાર થયો, એ ધર્મ સાચવવાથી ઘણા જીવને સુખ થાય છે એ દેખાયું, ઘણા જીવનું કલ્યાણ થાય એવા ધર્મને સર્વ ધર્મથી