પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૫

મ્હોટો કેમ ન ગણવો એવો પ્રશ્ન મનમાં ઉભો થયો, સર્વ સૃષ્ટિ જેને વ્હાલી છે અને સઉ સૃષ્ટિના સુખને ભરનાર વિશ્વમ્ભર તેને એજ ધર્મ સઉથી વ્હાલો હોવો જોઇએ એવી શ્રદ્ધા ઉત્પન્ન થઇ, શ્રદ્ધા થતાં તે ધર્મમાં પ્રવૃત્તિ થઇ, અને એ ધર્મની ઉત્સાહી ડોસી દેવનું દુ:ખ ભુલી પતિદેવ ભણી ચાલી; ઘરની અવ્યવસ્થા, પતિનાં વચન, ઘરબ્હાર જામી જતો ફજેતીનો ખેલ, અને કુટુંબનાં સર્વ મંડળનું દુ:ખ – આ સર્વ સરોવરમાંથી નીકળતી કુટુંબવત્સલતાના પવિત્ર પ્રવાહમાં ડોશીની બુદ્ધિ ન્હાવા લાગી, અને નદી સમુદ્ર પાસે જતાં પોતાનો પટ વધારે વધારે પ્હોળો કરે તેમ પતિની પાસે જતી જતી અને પતિની ઇચ્છા જાણી વળતી વળતી ડોશી પોતાના અંતઃતકરણને વધારે વધારે ઉદાર કરવા લાગી. તેનામાં થયેલો ફેરફાર તેને આવતી જોતાંજ તેનો પતિ સમજી ગયો. ડોસાના મનનો અર્થ મનમાં સિદ્ધ થયો જણાયો.

ડેાશી ન્હાનપણથી ધર્મસંસ્કારનું બન્ધન પામી હતી. પુરુષો કરતાં સ્ત્રી જાતિમાં કેટલાક ગુણ વધારે વિકાસ પામે છે, અને પુરુષો કરતાં તેમની બુદ્ધિ – તેમનાં શરીર પેઠે – વ્હેલી પકવ થાય છે, તેનું ધર્મલક્ષ્મી એક દૃષ્ટાંત હતું. છેકે ન્હાનપણમાંથી તેના હૃદય ઉપર જે જે સંસ્કાર પડતા તે તરત એ ગ્રહી લેતી. એના બાપ ધર્માંધ હતા અને તેના ઘરમાંથી ધર્મના સંસ્કાર ધર્મલક્ષ્મીપર કુમળી વયમાંથીજ વજ્રલેપ થયા હતા. એનું દશેક વર્ષનું વય હતું ત્યારે તે શેરીની સર્વ કન્યાઓમાં ધર્મલક્ષ્મી જેવું બીજું કોઈ ધાર્મિક ગણાતું ન હતું. એનામાં સારી બુદ્ધિ છતાં આ ધર્મસંસ્કાર જડ થાત અને એ છેક ધર્માન્ધ બનત તો તેના ધરપ્રમાણે કાંઇ નવાઈ ન હતી. પણ માનચતુરના ઘરમાં ગયા પછી એને, માનચતુરને દેશપરદેશ નોકરીમાં આથડવું પડતું, તેની સાથે ફરવાનું થતું અને પરદેશમાં ધર્મલક્ષ્મીના સંસ્કાર સાચવવા કઠણ હતા. તેમાં વળી માનચતુરનો સ્વભાવ ઉગ્ર હતો એટલે ગૃહિણીને વખત જોઇ ગીત ગાવાં પડતાં હતાં. આ પતિનો સ્વભાવ વેઠવો એ તરવારની ધાર ઉપર ચાલવા જેવું હતું, અને કન્યાવયમાંથી જ ઈશ્વરે સૂક્ષ્મ બુદ્ધિ આપી ન હત તો ધર્મલક્ષ્મીનો પતિસાથે એક રાગ થાતજ નહી. લોક એવું ક્‌હેતા કે “આવા માનચતુરનો મીજાજ ધર્મલક્ષ્મી જ જાળવે - બીજી હોય તો એના ઘરમાં પળવાર પણ ટકવા ન પામે.” ધર્મિષ્ઠ છતાં ધર્માંધ ન બની, દુર્વાસા જેવા પતિના ઘરમાં વૃદ્ધાવસ્થાપર્યંત રહી શકી, અગ્નિ જેવા પતિની પ્રીતિ મેળવી છેવટ સુધી સાચવી શકી અને તેના ઉપર પોતે પ્રીતિ રાખી શકી, અને વળી તે સર્વે સાથે પોતાના ધર્મસંસ્કાર