પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬

છેવટ સુધી જાળવી રહી; આ સર્વ અદ્‍ભૂત પરિણામ ધર્મલક્ષ્મીની શુદ્ધ વત્સલતા, પૃથ્વી જેવી ક્ષમા, વિષ્ણુ જેવી શાન્તિ, સૂક્ષ્મ બુદ્ધિ, અને ઉંચી કુલીનતા: તે સર્વેનું દુર્લભ ફળ હતું. એ સર્વ ગુણોનો આ પ્રસંગે આવિર્ભાવ થતો વિદ્યાચતુરે આજ પ્રથમ જ જોયો અને એ જોતાં જોતાં આ ગુણવાળી સ્ત્રી પોતાને મળી છે એ વિચારથી એનું હૃદય ગર્વવડે ફુલવા લાગ્યું.

ડોસો ક્રોધથી રાતો થયો હતો અને તેનાં અવયવ માત્ર કંપતાં હતાં. તેની આંખમાં લોહી તરી આવ્યું અને કપાળે ભ્રુકુટિ ચ્હડી આવી, – જાણે નરસિંહાવતાર પ્રકટ થયો. દેવને થયેલા અપમાનથી ડોશીને તીવ્ર વેદના થતી હતી એટલે બળાત્કાર કરતાં પણ તેના મુખ પર સ્મિત તો ન ફરકી શક્યું, પણ એ પોતાની વેદના ઢાંકી શકી અને પતિને ક્રોધ શમાવવા ચાલી. તેનું શરીર વૃદ્ધ પણ બાંધી દડી જેવું હતું. ધીમાં પણ સ્થિર પગલાં ભરી, ગંભીર આકાર ધરી, તે પતિ પાસે આવી. તેનું વૃદ્ધ હૃદય ધડકતું દેખાતું હતું, દાંતના આધાર વગરના ગાલ અંતર્ના વિકારથી ભરાવા લાગ્યા દેખાયા, જુવાનીના તેજ વિનાની પણ બુદ્ધિની તીવ્રતાએ અંદરથી ચળકતી આંખ ઉપર પાણીનું પડ બંધાયું, અને નિષ્કલંક ધોળા કેશ નીચે કેશ જેવીજ વાંકી ચુકી કરચલિયો ભરેલા ગોરા કપાળ ઉપર પરસેવો વળ્યો તેણે સૌભાગ્યચિન્હનું કુંકુમ ભીનું કરવા માંડ્યું.

“હા, હું તમારો ભાવાર્થ સમજી. હું શું કરું ? મ્હારો સ્વભાવ છે તે દેવસેવામાં ચિત્ત પરોવાય છે ત્યારે ઘરસેવાપર ર્‌હેતું નથી. મ્હારો વાંક હું કબુલ કરું છું, પણ આટલો બધો કોપ ન ધટે ત્રણ જણિયોને બ્હાર ક્‌હાડી તે ધેડફજેતી થાય છે ને લોક બારણે ભરાયા છે.” .

ડોશી ધીમે ધીમે ચાલી અને બારણું ઉઘાડી ત્રણેને ઘરમાં બોલાવી લીધી, ડોસો દ્વાર ભણી જોઇ રહ્યો, ગયો, અને લોકને ધમકાવી ક્‌હાડી, બારણાં બંધ કરી, પાછો આવ્યો.

“જા ! દેવને પાણીની ગોળીમાંથી ક્‌હાડી લે ! આજ તો ગોળીમાં નાંખ્યા, પણ હવે ભુખે મારીશ તો કુવામાં નાંખીશ:” ડોસો વિકરાળ અને રાતીચોળ આંખો કરી બોલ્યો. એના ક્રોધને શમતાં શમતાં કલાક લાગતો હતો. ડોસી બીચારી પાણી ભરેલી ગોળીમાં હાથ ઘાલી દેવને લેઇ આવી – બીજાં બધામાંથી કોઇને ડોસીનું એટલું