પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૭

કામ કરવું ન સુઝ્યું દેવને દ્હેરાસરમાં લેઇ જઇ, અશ્રુપાત કરતાં કરતાં છાતીસરસા ચાંપી, પાછા પાલખાપર પધરાવી, ઘરકામમાં વળગી અને આજથી ધર્મલક્ષ્મીની દેખરેખ નીચે આ ઘરનો સંસાર પાછો ઠેકાણે આવી રસ્તે પડ્યો દેખાયો. પણ દેવને અપવિત્ર સ્થળે નાંખ્યા તે વાતનો ડંખ ડોશીના દીલમાંથી મરણ સુધી ગયો નહી.

પણ ઘરનાં કામકાજની ચિંતાથીજ ઘરસંસારની સિદ્ધિ પુરી ન થઇ. ડોશી તો સઉની પાસે કામકાજ લેતી, પણ અવસ્થાનું શરીર તેથી જાતે ફરી વળાતું નહી અને તેની આજ્ઞાઓ કેટલી પળાતી તે જાણવાનું સાધન તેની પાસે ર્‌હેતું નહી. “શેઠની શીખામણ ઝાંપા સુધી પ્હોચે” એ ક્‌હેવત પ્રમાણે થતું. જુવાન સ્ત્રીમંડળમાં ધીમે ધીમે ડોશી કોહ્યાં અને કચકચિયાં ગણાવા લાગ્યાં. સર્વના હૃદયપર ડોશીની સત્તા ઓછી થઇ, તેની સાથે તેનો આજ્ઞાભંગ થવા લાગ્યો, તેને અંતે સઉ તેને પ્રથમ મનમાં ગાળો દેવા લાગ્યાં અને ધીમે ધીમે કવચિત્ ઉઘાડું અપમાન તથા નિન્દા કરવા લાગ્યાં. ડોશી અકળાવા લાગી, ડોસા પાસે ફરિયાદ કરવા લાગી, અને ગજારમાં ગુણસુંદરી પાસે જઈ વખતોવખત રોવા લાગી. સુવાવડી વહુએ સાસુની શુદ્ધ પ્રીતિ મેળવવામાં આ પ્રસંગને લાભ લઇ લીધો અને બુદ્ધિશાળી, વૃદ્ધ અને અનુભવી સાસુ કરતાં જુવાન અને ઉગતી વહુની બુદ્ધિ ચ્હડિયાતી છે એવું આથી સિદ્ધ થયું. જે વ્યવસ્થા સાસુથી ન થઈ શકી તે વ્યવસ્થા કરવાની મ્હારે કરવી પડશે એવું વહુને લાગ્યું અને વૃદ્ધ સાસુને માથેથી ભાર ઉપાડી લેવામાં હું ફાવીશ એવી આશાની હોંસીલી વહુ કામકાજ કરવા હું ક્યારે શક્તિવાળી થઈશ એ વિચાર આતુરતાથી કરવા લાગી. આ ભાર તો ગુણસુંદરીને માથે મૂળ હતો તે જ પાછો પડવાનો હતો પણ બીજી કેટલીક જાતનો ભાર એવો પડવાનો હતો કે તેનો તેને અનુભવ સરખો ન હતો.

હીંદુ સંસારમાં સુખદુ:ખનાં રૂપ ભાતભાતનાં છે, અનુભવ અથવા અવલોકન વિના તેની કલ્પના પણ કઠણ છે ગુણસુંદરીના મનમાં એક વખત એમ હતું કે મને સઉ વાતનો અનુભવ વીતી ગયો છે પણ જ્ઞાન તેમ જ અનુભવની સીમા નથી એટલું જ નહી, પણ ઉભય વિષયમાં ઉગતાં બાળકને કલ્પના જ થતી નથી કે દેખીતા જ્ઞાન અને અનુભવની પાછળ બીજું કાંઇ હશે. જેમ જેમ અભ્યાસ અને વય વધતાં જાય છે તેમ તેમ નવી નવી જાતનાં જ્ઞાન અને અનુભવ પર્વતના શિખર પાછળના શિખરે પેઠે – સમુદ્રના મોજા પાછળના મોજા