પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૯

તપતો તડકો ધીમે ધીમે મેડીની બારીમાં ખસતો ખસતો આવતો હતો. એ તડકામાં વિધવા યુવતિ પળવાર ઉભી રહી અને તેના ગૌર ગાલ તડકાથી રાતાચોળ થતાં વાર ન લાગી. બારીની પાછળનાં હાંલ્લાંમાંથી . નીચી વળી તે સામન ક્‌હાડવા લાગી, સૂર્ય ઉપર આવેલા વાદળાં પેઠે તેનું સાદું કાળું વસ્ત્ર બારીના પવનથી જરી જરી ઉડતું હતું, અને વાદળાંમાંથી સૂર્યનું બિમ્બ કોઈ કોઈ ઠેકાણે દેખાઈ આવે તેમ એને વાંસો દેખાતો હતો. મેઘના ધનુષ્ય પેઠે એ વાંકી વળી હતી. માથાની એક લટ સરી પડી આલમ્બમાન પયોધરભારને ટેકવી રાખવા સ્હાઇ લેતી લાગતી હતી. વસ્ત્રની નીચલી કોર અને તડકાવાળી પૃથ્વી, એ બેની વચ્ચે આવી ગયેલી પગની સોનેરી પ્હાનિયો ચળકારા મારતી હતી અને જોનારને જે બે આંખે હોયે તે બેયે આંખોને એ ચળકારોથી ભરી નાંખી – આંધળી કરી દેવા યત્ન કરતી હતી. આમ આંધળી થનારી પણ આંખો દૂર ન હતી અને પોતાનું કામ કરવામાં લીન થયેલી નિર્દોષ સ્ત્રી જાણતી ન હતી કે અત્યારે મ્હારાપર કોઇની દૃષ્ટિ પડે છે.

પુરૂષ ભોક્તા અને સ્ત્રી ભોગ્ય, એ બુદ્ધિ મનુષ્યના મ્હોટાં ભાગને અને પશુપક્ષિયોને, સામાન્ય છે. પશુ પક્ષિયોમાં નર માદાની પાછળ શીકાર કરવા દોડતો હોય તેમ દોડે છે, ફેર માત્ર એટલો ર્‌હે છે કે ઉપભેાગાર્થ શીકારનો નાશ કરવામાં આવે છે ત્યારે માદાનું પાલન કરવામાં આવે છે. સોનાનાં ઇંડાં મુકનારી કુકડી જેવી માદાને નર જાળવી રાખે છે. ઉચ્ચ યોનિમાં આ પાલકબુદ્ધિ વિશેષ ર્‌હે છે, તેનું દૃષ્ટાંત મનુષ્યજાતિ છે, પારકા ઘરની સ્ત્રી – નહી સગી— નહી વ્હાલી - તે સગામાં સગી થઈ ર્‌હે છે – વ્હાલામાં વ્હાલી થઇ ર્‌હે છે. લગ્નાદિકની રૂઢિ એ આ પાલકબુદ્ધિનું જ પરિણામ છે. મનુષ્યનાં પશુભાગપર એના મનુષ્યભાગનો જય થાય છે ત્યારે આ પાલકબુદ્ધિ ર્‌હે છે, અને પશુભાગ વિજયી હોય છે ત્યારે ઉપભેાગાર્થ સ્ત્રીને શીકાર જેવી ગણતો પુરુષ સ્વાર્થ અથવા પરમાર્થ કાંઈ પણ વિચારી શકતો નથી, કારણ મનુષ્યભાગની સાથે વિચાર પણ પરાભવ પામે છે, કેટલેક ઠેકાણે આ ઉભય ભાગનો સંયોગ સૂક્ષ્મ હોય છે અને એક ભાગ બીજાપર પરાભવ કરી શકતો નથી; મૃગયા કરવા નીકળી પડેલો હોય તેવી રીતે સીતાને પકડી પોતાની સત્તામાં આણ્યા છતાં વર્ષોનાં વર્ષો સુધી રાવણે સીતાને અખંડિત ર્‌હેવા દીધી તેનું કારણ આવો જ સૂક્ષ્મ સંયોગ હતો. એના પશુભાગે બળાત્કારથી હરણ કર્યું, એની ઉચ્ચ રસિક વૃત્તિયે તેને શીખવ્યું કે,