પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨


ખવરાવ્યા, અને સુન્દરગૌરી ખરી વાત ક્‌હે ત્યાં સુધી હું ખાઈશ નહી એવી હઠ લીધી, ત્યારે સુંદરગૌરી બળાત્કારે હસવું આણી બોલી : “વારું, અમસ્તાં એમ શું કરો છો ? તમને નહી કહું ત્યારે બીજા કોને કહીશ? આપણા બાયડીઓના જીવ, તેને કંઇ અંત સુધી પેટમાં ને પેટમાં સમાઈ ર્‌હેવાનું છે ? પણ હું તમારું કહ્યું કરીશ ત્યારે તમે મ્હારા સમ ખાઈ હા ક્‌હો કે એક વાતમાં તમે મ્હારું કહ્યું માનશો, એટલે આ વાતમાં હું તમારું કહ્યું માનીશ.” ગુણસુન્દરીએ હા કહી સમ ખાધા, એટલે સુન્દર બેલી. “બહુ સારું, ત્યારે હું તમને કહીશ. પણ તમારે મ્હારું કહ્યું માનવાનું એટલું કે હું તમને મ્હારી મેળે કહું ત્યાં સુધી તમારે મને એ વાત પુછવી નહી. તમે મ્હારા સમ ખાઇ બંધાયાં છો – હું તમારા સમ ખાઇ બંધાઉં છું.”

“ પણ હાલ ક્‌હેવામાં કંઇ નુકસાન છે ?”

“ કંઇ હશે ત્યારે સ્તો.”

“હું જીવું છું ત્યાં સુધી તો તમારો વાંકો વાળ નહીં થવા દઉં.”

“એ તો હું જાણું છું તે. તમારા વિના મ્હારે બીજું કોણ છે? પણ આટલું મ્હારું કહ્યું કરો.”

“ત્યારે બહુ સારું. જો જો, હોં ! ક્‌હો, સાંજે ક્‌હેશો કે રાતે?”

“હવે તે મને ઠીક પડશે ત્યારે. બે ત્રણ દિવસ પછી પુછજો.”

આ રગઝગ ચાલી, પણ ન ક્‌હેવા ધાર્યું હોય તો કોઇ શું ક્‌હેવરાવનાર હતું ? આ વાતમાં સુન્દરના ઓઠ ઉઘડે એવું એનું કહ્યું એનું હૃદય જ કરે એમ ન હતું.

ગુણસુંદરી ન્હાઈ, ઘરમાં હરતી ફરતી થઈ, સઉ જાતે જોવા લાગી, પણ હજી સુતક હતું અને કંઈ સ્પર્શ થાય એમ ન હતું. જાતે જોવા લાગી એટલે વળી ઘરમાં કંઇ કંઇ નાટક નજરે પડ્યાં.પ્રક૨ણ પ.
ગુણસુંદરી–(અનુસંધાન.)
“ જગ ! રૂપ ધરે તું નવાં જ નવાં.”     કુસુમમાળા.

સુતકને લીધે ઘરમાં કોi ઠેકાણે સ્પર્શ થાય એમ ન હતું; અને બીજા લોકના ઘરમાં તો કોરાં વાસણ કપડાં વગેરેને અડકાતું, પણ આ ઘરમાં તો ધર્મલક્ષ્મી એટલું પણ થવા ન દેતાં. આવી રીતે મળતો અવકાશ ગુણસુંદરી બીજી રીતે રોકવા લાગી.